Abtak Media Google News

આપણું પ્રિયજન કોઈ ગંભીર બિમારીમાં સપડાઈ જાય અને તેના માટે ક્યાંય હોસ્પિટલમાં જગ્યા ન મળે અને ચારે તરફ ઘોર અંધકાર છવાઈ જતો લાગે તેવા સમયે મદદ માટે મળેલ કોઈ એક આશાનું કિરણ આપણા હદયને સ્પર્શી જતું હોય છે. પ્રિયજનને આવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે મળેલી મદદને આપણે કયારેય ભૂલી શકતા નથી. આવો જ અનુભવ રાજકોટમાં રહેતા અને ક્ધસ્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા સાકેતભાઈ પઢિયારને થયો છે.

કોરોનાના આ કપરા સમયમાં પોતાના સગા-સંબંધી પણ પડખે ઉભા રહેવા ડરે  છે કે તૈયાર નથી થતાં તેવા આ વિકટ સમયમાં સમરસ કોવિડ કેર સેન્ટર અને જિલ્લા કક્ષાની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં તેમના ભાઈને મળેલ સેવા – સારવારને વ્હોટસએપના માધ્યમથી સાકેતભાઈએ હોસ્પિટલના સબંધિત આરોગ્યકર્મીઓને એક પત્ર મોકલ્યો છે. આ પત્રમાં હોસ્પિટલમાં અપાતી સારવાર પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, મારા મોટા ભાઈ ને તારીખ 16-4-2021 ના રોજ કોવીડ રિપોર્ટ પોઝીટીવ આવેલ. જેમની સારવાર ઘરે જ ચાલુ કરી પરંતુ તારીખ 21-4-2021 ના રોજ તબીયત ખરાબ થતાં ઓક્સિજન માટે ખુબ દોડયા, ઓક્સિજન વાળી એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ હોસ્પિટલ આમ વારા ફરતી બધી જગ્યાએ પૂરતા પ્રયત્નો કર્યા પણ તત્કાળ સગવડ ના મળી. છેલ્લે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો (છેલ્લે એટલા માટે કે બધાની જેમ મારા મનમાં પણ સિવિલ હોસ્પિટલ પ્રત્યે થોડી ગેરસમજ) ને ત્યાં કેસ કાઢતા તરત જ સારવાર મળી અને લગભગ પાંચ કલાક પછી સમરસમાં જગ્યા હોવાથી ટ્રાન્સફર કરવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ અમે નજીકથી અનુભવી છે, અમને ખુબ સારો પ્રતિસાદ મળ્યો. ડોક્ટર કે અન્ય કોઈ પણ સ્ટાફ યોગ્ય જવાબ આપે. ખાસ બે બાબત તો જે મેં નિહાળી એ કહું, સર્વે સ્ટાફ જરાકવાર પણ આરામ કરતા નથી જોયા. ખુબ કામ હોવા છતા ઠંડા સ્વભાવે ઝડપથી બધાની સારવાર કરતા જોઈ ખુબ આનંદ થયો. હા હજી એક વાત હું ત્યાં કોવીડ દર્દીની મોટી સંખ્યા જોઈ ડરી ગયો (મને થઈ જશે તો ) પણ સંપૂર્ણ સ્ટાફ ખડે પગે નીડરતાથી મૂંઝાયા વગર નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. ઉપરાંત વ્યવસ્થામાં સવારે – સાંજે નાસ્તો, બપોરે – રાત્રે જમવાનું અને કોઈ જમી ના શકતું હોય તો સ્ટાફ જમાડે તેમજ બેડ થી વોશરૂમ અને વોશરૂમથી બેડ સુધી સાથે રહે છે. સ્ટાફ તેમજ ડોક્ટર ત્રણ વખત વિઝિટમાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.