- રાજકોટમાં વલ્લભકુલભૂષણ ગોસ્વામી પરાગકુમાર મહોદયના પ્રાગટ્ય દિવસે ફુલફાગ–રસીયાનો ભવ્ય મનોરથ યોજાયો
- શ્રી કૃષ્ણધામ હવેલી ખાતે વધાઈ-કીર્તન અને પ્રસાદનો અલૌકિક આનંદ માણી ધન્યતા અનુભવતા સાત હજારથી વધુ વૈષ્ણવો
આજ બિરજ મેં હોરી રે રસીયા.., નંદ કે દ્વાર મચી હોરી.. બાબા નંદ કે દ્વાર.., ચુનરીયા રંગ મેં બોર ગયો.. કાન્હા બંસી વાલો.. જેવા અનેક રસીયા (હોળી ગીતો)ની રાજકોટમાં શ્રી કૃષ્ણધામ હવેલી ખાતે દિવ્ય રમઝટ જામી હતી.
રાજકોટ શહેરના અંબાજી કડવા પ્લોટમાં સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન વલ્લભકુલભૂષણ પરમ પૂજ્યપાદ વૈષ્ણવાચાર્ય 108 ગોસ્વામી ગોપેશકુમાર મહારાજના આશીર્વાદથી તેમના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી પરાગકુમાર મહોદયના પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજના રોજ પ્રભુના સુખાર્થે ફુલફાગ-રસીયાના ભવ્ય મનોરથનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ સર્વોત્તમ સંસ્થાન દ્વારા ઉત્સવનાયક ગોસ્વામી પરાગકુમાર મહોદયના મંગલ સાંનિધ્યમાં ગત તા. 01 માર્ચ, 2025ને શનિવારે અંબીકા ટાઉનશીપમાં આવેલી શ્રી કૃષ્ણધામ હવેલી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે કીર્તનકારોએ વધાઈ-કિર્તન અને સર્વોત્તમ પાઠશાળાના બાળકોએ નૃત્ય કૃતિ પ્રસ્તુત કરી હતી. તેમજ સાત હજારથી વધુ વૈષ્ણવોએ આપના વચનામૃત, આપના કેસરીસ્નાન તથા ઠાકોરજીના મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ વૈષ્ણવોએ ભક્તિમય વાતાવરણમાં હોરી-રસીયા અને ફુલફાગનો લ્હાવો લીધો હતો. આ તકે ઉદ્યોગજગતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ, રાજકોટની પુષ્ટિ સૃષ્ટિને વસંતોત્સવ દરમિયાન હોરી-રસીયાની હેલીમાં તરબતર થવાનો અનેરો અવસર મળ્યો હતો.