Abtak Media Google News

અબતક, રાજકોટ

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને ઘરનું ઘર મળી રહે તેવા આશ્રય સાથે કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવે છે. જે આવાસની ફાળવણી કરવામાં આવી હોતી નથી. ત્યાં અમુક લોકો ગેરકાયદે ઘૂસણખોરી કરી લેતાં હોય છે. આ બાબત ધ્યાનમાં આવતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ એવા નિર્ણયો લીધો છે કે મહાપાલિકા હસ્તકના આવાસમાં ગેરકાયદે કબ્જો કે ઘૂસણખોરી કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આજે મ્યુનિસિપલ કમિશનરે અલગ-અલગ આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. જેમાં ન ફાળવાયેલા આવાસમાં ગેરકાયદે ઘૂસણખોરી થયું હોવાનું માલૂમ પડતાં તેને શીલ કરી દેવાતાં જબરી દોડધામ મચી જવા પામી હતી.

સરકાર દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના બનાવી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન આવાસ યોજનાઓમાં ખાલી રહેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબજો ધરાવતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરએ વૃંદાવન સોસાયટી પાછળ, કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજના, નટરાજનગર સાધુવાસવાણી રોડ પર આવેલ રાજીવ આવાસ યોજના, મારુતી સર્વિસ સ્ટેશન પાછળ મોરબી રોડ પર આવેલ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ અને જકાતનાકા પાછળ કુવાડવા રોડ પર આવેલ બીએસવીપી-૨ આવાસ યોજનાની મુલાકાત કરી હતી.

મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલા આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને આર.એમ.સી. હસ્તકની આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસોની ચકાસણી ઝુંબેશ હાથ ધરવા સુચના આપી હતી સાથોસાથ સ્વચ્છતા જાળવવા બાબતે પણ સૂચન કર્યા હતા.

વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ઇન્ચાર્જ આવાસ યોજનાના સિટી એન્જી. એસ. બી. છૈયા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડે. એન્જી. પી.ટી. પટેલ, આસી. મેનેજર કૌશિક ઉનાવા અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર ઉપસ્થિત રહ્યા હતા.

ટીપીના સોનાની લગડી જેવા પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ કરાશે

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આજે અલગ-અલગ આવાસ યોજનાની મુલાકાત લીધા બાદ પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલની પણ મુલાકાત લીધી હતી. અહીં કમ્પાઉન્ડ વોલ તૂટેલી હોવાની માલુમ પડતા તે તાત્કાલીક રીપેરીંગ કરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ટીપીના અનામત એવા સોનાની લગડી જેવા પ્લોટ ખુલ્લા હોવાના કારણે જમીન માફીયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવતી હોવાની ઘટનાઓ અવાર-નવાર બને છે. ભવિષ્યમાં આવુ થતું અટકે તે માટે ટીપીના તમામ પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.