Abtak Media Google News

અનુવાદ પ્રતિયોગીતા, સામાન્ય જ્ઞાન પ્રશ્ર્નોતરી, અર્થગ્રહણ અને ચિત્રવર્ણન પ્રત્યોગીતાનું કરાયું આયોજન: વિજેતા સ્પર્ધકોને અપાશે રોકડ ઈનામ

હાલનાં વૈશ્ર્વિક મહામારીનાં સમયમાં જે રીતે સરકારે લોકડાઉન બાદ વિવિધ સાર સંભાળ લઈ જે છુટછાટ આપવામાં આવી છે તેને લોકો બખુબી રીતે પાલન કરી રહ્યા છે. બીજી તરફ હાલ કોઈપણ પ્રકારનાં પ્રસંગોને ઉજવતા અને મનાવતા માટે લોકો અત્યંત સતર્ક થઈ ગયા છે. હાલની સ્થિતિને ધ્યાને લઈ આવકવેરા વિભાગ રાજકોટ દ્વારા હિન્દી સપ્તાહ ૨૦૨૦નું આયોજન કર્યું છે જેમાં પ્રત્યોગીતા ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા આવતીકાલથી એટલે ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી એમ બે દિવસ પ્રત્યોગીતા યોજાઈ છે. જેમાં અનુવાદ પ્રતિયોગીતા, સામાન્ય જ્ઞાન અંગેની પ્રશ્ર્નોતરી, અર્થગ્રહણ પ્રત્યોગીતા અને ચિત્રવર્ણન પ્રત્યોગીતાનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સવારે ૧૧ થી બપોરના ૧૨ વાગ્યા સુધી ડિજિટલ માધ્યમ દ્વારા અનુવાદ પ્રતિયોગીતા અને સાંજે ૪ વાગ્યાથી ૫ વાગ્યા સુધી સામાન્ય જ્ઞાન પ્રશ્ર્નોતરી યોજાશે.

એવી જ રીતે તા.૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી અર્થગ્રહણ પ્રત્યોગીતા અને સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી ચિત્રવર્ણન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગ રાજકોટનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ સ્પર્ધામાં ભાગ લેનાર સભ્યોને ઈનામ પણ આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને ૫ હજાર રૂપિયા, બીજા ક્રમ પર વિજેતા બનેલા સ્પર્ધકને ૩ હજાર રૂપિયા, ત્રીજા સ્થાન પર આવેલા સ્પર્ધકને ૨ હજાર રૂપિયા અને વિશેષ પુરસ્કારરૂપે આવકવેરા વિભાગ રાજકોટ દ્વારા ૧ હજાર રૂપિયા સ્પર્ધકને આપવામાં આવશે.

અધિકૃત સુત્રોના જણાવ્યા અનુસાર આ વિકટ સમયમાં લોકોને એક જુથ રાખવા અને સતત કાર્યશીલ રાખવા માટે આ પ્રકારની પ્રવૃતિઓને કરવામાં આવતી હોય છે ત્યારે હિન્દી સપ્તાહ હોવાના કારણે લોકો માતૃભાષા પ્રત્યે સભાન બને અને તે દિશામાં આગળ વધે તે માટે રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા વિવિધ પ્રત્યોગીતાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.