Abtak Media Google News

ઓપરેશનગ્રસ્ત દર્દી પાણીની તલાશમાં વોર્ડમાંથી નાસી ગયો’તો: નાલામાંથી લાશ મળી આવતા પરિવારમાં અરેરાટી

શહેરના જ્યૂબેલી ગાર્ડન પાસે આવેલા નાલામાંથી એક યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પ્રથમ નજરે મર્ડરની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરંતુ અંતે મૃતદેહ જસદણના ઓપરેશનગ્રસ્ત યુવાનનો હોવાનું સામે આવ્યું હતું. આખો દિવસ પોતાના પરિવારજનને શોધી રહેલા સભ્યોએ અંતે ઓળખ કરતા તમામ મામલો સામે આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જ્યુબેલી ગાર્ડન નજીક ભાવેશ મેડીકલ સ્ટોર પાછળ નાલામાંથી આજે સવારે યુવાનની હત્યા કરાયેલી લાશ પડી હોવાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એ ડીવીઝન પી.આઈ. સી.જી.જોષી, એએસઆઈ ડી.બી.ખેર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, પોલીસે તપાસ કરતા મૃતકના શરીર પર હત્યાના નહીં પરંતુ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાનો ચેકો હોય અને નળીઓ પણ હોવાથી કોઈ દર્દી હોવાની શંકાના આધારે હોસ્પિટલમાં તપાસ શરૂ કરતા તેના પરિવારજનો મળી આવ્યા હતા.

મૃતક યુવાન જસદણના લાતી પ્લોટમાં રહેતો નીતીનભાઈ ભીખાભાઈ બારૈયા (ઉ.વ.38) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, નીતીનભાઈ બે ભાઈ બે બહેનમાં નાનો અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. તેને સંતાનમાં એક પૂત્ર અને બે પૂત્રી છે. નીતીનભાઈને લીવરની તકલીફ હોવાથી ગત સોમવારે રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. મંગળવારે તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું.

તે દરમિયાન ગઈકાલે પરિવારજનો ઘરે ગયા હતા અને પત્ની અમીબેન રિપોર્ટ બતાવવા ગયા ત્યારે પાછળથી હોસ્પિટલમાંથી નિકળી જતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને પ્ર.નગર પોલીસમાં પણ ગુમસુદાની અરજી નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં તબીબોએ પાણી પીવાની ના પાડી હોય પરંતુ, તેને પાણી પીવુ હોવાથી તે હોસ્પિટલમાંથી નિકળી જઈ નાલામાં જઈ પડી ગયાનું અનુમાન છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે મૃતદેહની ઓળખ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.