રાજકોટ: નિરિક્ષકોએ જિલ્લા ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લઈ C-VIGILની  સમીક્ષા કરી

જિલ્લામાં અત્યાર સુધીમાં આચારસંહિતાને લગતી 70 ફરિયાદો: સાત ખોટી નીકળી, 63નું તત્કાલ નિવારણ

રાજકોટ પૂર્વ તથા 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રના સામાન્ય નિરિક્ષક  નિલમ મીણા, 70-રાજકોટ દક્ષિણ તેમજ 71-રાજકોટ ગ્રામ્યના સામાન્ય નિરિક્ષકશ્રી સુશીલકુમાર પટેલ, 72-જસદણ મતક્ષેત્રના સામાન્ય નિરિક્ષક  પ્રીતિ ગેહલોતે  મોડી સાંજે જિલ્લા ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી તેમજ સી-વીજીલ એપ દ્વારા થતી આચારસંહિતા ભંગને લગતી કામગીરીની સમીક્ષા કરી હતી.

ફરિયાદ નિવારણ સેલમાં કાર્યરત સ્ટાફે સેલની કામગીરી અંગે નિરિક્ષક ઓને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ સેલને અત્યાર સુધીમાં આઠ વિધાનસભા વિસ્તારોમાં આચારસંહિતા ભંગને લગતી 70 જેટલી ફરિયાદો સી-વિજીલ એપના માધ્યમથી મળી હતી. જેમાંથી સાત ફરિયાદ ખોટી નીકળતાં પડતી મુકવામાં આવી હતી. જ્યારે બાકીની63 ફરિયાદોનો 100 મિનિટની અંદર જ સુખદ નિકાલ કરી દેવામાં આવ્યો છે. ફરિયાદ સેલને ધોરાજીમાંથી 06, ગોંડલમાંથી 10, જસદણમાંથી 01, જેતપુરમાંથી કુલ 05, રાજકોટ પૂર્વમાંથી 10, રાજકોટ ગ્રામ્યમાંથી 09, રાજકોટ દક્ષિણમાંથી 20 તેમજ રાજકોટ પશ્ચિમમાંથી 09 જેટલી ફરિયાદો સિ-વિજીલ એપ પર મળી હતી. આ ફરિયાદોને તત્કાલ જે-તે વિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડને મોકલીને તેનું નિવારણ કરી નંખાયું હતું. મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, વૃક્ષો તેમજ જાહેર સ્થળો પર

મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની હતી. આ તકે નિરિક્ષક ઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી  અરૂણ મહેશ બાબુ, અધિક ચૂંટણી અધિકારી  એસ. જે. ખાચર, નિવાસી અધિક કલેક્ટર  કેતન ઠક્કર તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

બુથ રૂટ, સ્ટ્રોંગ રૂમ, પોલિંગ સ્ટેશન, નિરીક્ષણ કરતાં જનરલ ઓબ્ઝર્વર  મિથિલેશ મિશ્રા

રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ  યોજાનાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ સુચારુ રીતે યોજાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરી સજ્જતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના નિરીક્ષણ અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભા દીઠ જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરવામાં આવી છે. જે અન્વયે 73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર  મિથિલેશ મિશ્રા દ્વારા અત્યાર સુધીમાં થઈ ગયેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. જનરલ ઓબ્ઝર્વર  મિથિલેશ મિશ્રાએ રિટર્નિંગ ઓફિસર  કે.વી.બાટી સાથે ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બુથ રૂટ, પોલિંગ સ્ટેશનો, સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી.

તેમજ મતદાન મથક ઉપર  રેમ્પ, પીવાનું પાણી, શૌચાલય, ઇલેક્ટ્રિસિટી, સુરક્ષા વ્યવસ્થા સાહિતની આનુસંગિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને સુનિશ્ચિત કરી હતી. વધુમાં સિંગલ વિન્ડો સિસ્ટમની કામગીરીનો રિવ્યુ પણ લીધો હતો. આમ જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ સ્થળ મુલાકાત કરીને 1 ડિસેમ્બરના રોજ 73 ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં સુચારુ રીતે મતદાન પ્રક્રિયા થાય તેવા દરેક પાસાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.