Abtak Media Google News

આજે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યુ છે.5 જૂન અર્થાત વિશ્વ પર્યાવરણ દિને જોરશોરથી હરિયાળી વાતો કરવામાં આવે છે.વૃક્ષારોપણ કરતા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરાય છે. પરંતુ વૃક્ષનું રોપણ  કરાયા બાદ તેની પૂરતી જાળવણી કરવામાં આવતી નથી.જતનના અભાવે પર્યાવરણનું પતન થઈ રહ્યું છે.સૌરાષ્ટ્રના પાટનગર ગણતા રાજકોટ માટે પણ રેડ સિગ્નલ રૂપ ગણાવી શકાય તેવી બાબત એ છે કે શહેરમાં વિસ્તારની સરખામણીએ ગ્રીનરીનું પ્રમાણ માત્ર 50 ટકા જેટલું છે. વસ્તીની દ્રષ્ટિએ જોવામાં આવે તો રાજકોટમાં માથાદીઠ અડધું  વૃક્ષ પણ નથી.જો આગામી દિવસોમાં મહાપાલિકા સહિતના સરકારી વિભાગો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ પર વધુ ભાર મુકવામાં આવશે નહીં તો રાજકોટની સ્થિતિ બંજર પ્રદેશ જેવી થઈ જશે.

મહાપાલિકાના વિશ્વસનીય સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં કુલ સાત લાખ જેટલા વૃક્ષ હોવાનો અંદાજ છે.કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય અને તેના દ્વારા નિયુક્ત કરાયેલી વિવિધ એજન્સીઓના રિપોર્ટ મુજબ કોઇપણ શહેર કે ગામમાં કુલ ક્ષેત્રફળના  8  ટકા વિસ્તાર હરિયાલી હોવી જોઈએ જે તેનો પ્રાથમિક નિયમ છે.રાજકોટનું કુલ ક્ષેત્રફળ 163 ચોરસ મીટર છે.જેની સામે પણ માત્ર  4.50 ટકા જેટલી જ  ગ્રીનરી છે.

શહેરમાં લીમડો,પીપળો, વડલો, ઉમરો,કદમ ,રાયણ ગુલમહોર,સાવન અને બિલ્લી જેવા વૃક્ષોનું પ્રમાણ વધુ છે. સૌથી ચિંતાજનક બાબતએ છે કે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર અર્થાત જૂના રાજકોટમાં વોર્ડ નંબર 3  અને વોર્ડ નંબર 7ના અનેક વિસ્તારોની હાલત ઉજજડ પ્રદેશ જેવી છે.તો વેસ્ટ ઝોન અર્થાત ન્યુ રાજકોટમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 8,9 અને 10 માં વૃક્ષો વધુ માત્રામાં છે.મહાપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન પહેલા હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.

પરંતુ પૂરતા જતન અભાવે આ વૃક્ષો ઉગતા  નથી. ભોગોલિક વાતાવરણ, કુદરતી પરિસ્થિતિ અને નવા બાંધકામોના કારણે વૃક્ષોના વિકાસની પ્રક્રિયાને ખલેલ પહોંચે છે.અથવા ઉગી નીકળેલા વૃક્ષોનું પણ ક્યારેક નિકંદન કાઢવાની ફરજ પડે છે. શહેરમાં ગ્રીનરીનું પ્રમાણ વધે તે માટે અનેક સંસ્થાઓ અથાગ પ્રયાસો કરી રહી છે. પરંતુ શહેરના જે રીતે વ્યાપ અને વસ્તી વધી રહી છે તેની સામે વૃક્ષોનું પ્રમાણ વધતું નથી.પર્યાવરણ મંત્રાલય દ્વારા નિયત કરાયેલી ટકાવારી થી પણ રાજકોટમાં માત્ર 50 ટકા ગ્રીનરી છે.શહેરમાં માથાદીઠ એક વૃક્ષ પણ નથી તે સૌથી મોટો ચિંતાનો વિષય છે.

અપૂરતી ગ્રીનરિના કારણે ઉનાળામાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ જાય છે અને અમુક વિસ્તારોમાં તો પચાસ ડિગ્રી પહોંચી જાય છે.ચામડીને સીધી અસર કરતા એવા અલ્ટ્રા વાયોલેટ કિરણની ટકાવારી પણ જોખમી બની જાય છે.હજી સમય છે જો પૂરતું વૃક્ષારોપણ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં રંગીલું રાજકોટ ખરેખર હરિયાળું બની જશે અને ભાવિ પેઢી માટે એક શ્રેષ્ઠ રહેવાલાયક શહેર બનશે પરંતુ આ માટે એકલદોકલ નહીં સહિયારા પ્રયાસની આવશ્યકતા છે

8 વર્ષથી શહેરમાં નથી કરાય વૃક્ષોની ગણતરી

કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં 163 ચોરસ કિલોમીટરના વિસ્તાર વચ્ચે માત્ર સાત લાખ વૃક્ષો છે.શહેરમાં ગ્રીનરીની ટકાવારી 4.50 ટકા જેવી છે તો બીજી સૌથી મોટી અને મહત્વની વાત તો એ છે કે મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા છેલ્લાં આઠ વર્ષથી વૃક્ષોની ગણતરી કરવામાં આવી નથી.વૃક્ષોનું વાવેતર કરાયા બાદ તેમાંથી આટલા વૃક્ષો  ઉગી નીકળશે તેવું અનુમાન લગાવી અંદાજે આંકડો જાહેર કરી દેવામાં આવે છે.બીજી તરફ શહેરનો વ્યાપ સતત વધી રહ્યો છે આજુબાજુના વિસ્તારોનો સમાવેશ મહાપાલિકાની હદમાં થઈ રહ્યા છે.

આવામાં વૃક્ષોનો કોઈ ચોક્કસ કે સચોટ આંકડો મહાપાલિકા તંત્ર પાસે પણ નથી છતાં અંદાજ મુજબ શહેરમાં સાત લાખ વૃક્ષો હોવાનું જણાવવામાં આવે છે દર વર્ષે વૃક્ષોની ગણતરી હોવી જોઈએ પરંતુ ગાર્ડન શાખા દ્વારા શા કારણોસર છેલ્લા આઠ વર્ષથી વૃક્ષાની ગણતરી કરાય નથી તે પણ એક જવાબ માંગી લેતો સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.