રાજકોટ- જામનગર વચ્ચેનો રેલ વ્યવહાર સાંજે 4 વાગ્યાથી પુનઃ શરૂ થશે

જામવંથલીથી અલીયાબાળા વચ્ચે 200 મીટરનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો, સાંજે 4 વાગ્યા સુધીમાં સમારકામ પૂર્ણ કરી દેવાશે

પુરના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે બે ટ્રેનો આંશિક રદ કરાઈ : 4 ટ્રેનો ડ્રાયવર્ટ કરાઈ 

અબતક, રાજકોટ : રાજકોટ અને જામનગરમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે જામવંથલીથી આલિયાબાળા વચ્ચેનો 200 મીટરનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. જેને કારણે રેલ વ્યવહારને ભારે અસર પહોંચી છે. જો કે હવે આ સમારકામ સાંજે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે 4 વાગ્યાથી રેલ વ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવનાર છે.

રાજકોટ અને જામનગરમાં ગત રોજ પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે રેલવેને પણ નુકસાન પહોંચ્યું હતું. રાજકોટ- હાપા વચ્ચે આવેલા જામવંથલીથી આલિયાબાળાના 200 મીટર ટ્રેકનું ધોવાણ થઈ ગયું હતું. જેથી ટ્રેન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. જો કે પુરના પાણી ઓસરતા જ રેલવે વિભાગ દ્વારા તુરંત સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. હવે આ કામ સાંજે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેથી રેલવે દ્વારા સાંજે 4 વાગ્યાથી રાજકોટ- જામનગર વચ્ચેનો રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવનાર છે.