રાજકોટ: ટેક્સ રિક્વરી સેલની ઢીલી કામગીરી: લક્ષ્યાંક પૂર્ણ કરવો મહામુસીબત

રિક્વરી સેલ દ્વારા દિવસ દરમિયાન માત્ર આંગળીના વેઢે તેટલી મિલકતો સામે લાલ આંખ કરાતી હોવાના કારણે બાકીદારોને મજા મજા

વર્ષોથી બાકી નીકળતું લેણું વસૂલવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ રિક્વરી સેલ ઉભો કરવામાં આવ્યો છે. જેની કામગીરી ગોકળગાય કરતાં પણ ધીમી ચાલી રહી છે. દિવસ દરમિયાન આંટાફેરા છતાં માત્ર ગણતરીના બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવે છે.

આજે ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી અને આઠ મિલકતોને જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે વેસ્ટ ઝોનમાં બે મિલકત સીલ કરાઇ હતી અને ૩ ને જપ્તી નોટીસ આપવામાં આવી હતી. જ્યારે ઇસ્ટ ઝોન વિસ્તારમાં માત્ર ૮ મિલકત સીલ કરવામાં આવી હતી અને ૩ને જપ્તી નોટિસ આપવામાં આવી હતી. રિક્વરી સેલ જ્યારે કાર્યરત ન હતો ત્યારે પણ આથી વધુ કામગીરી થતી હતી. હવે અલાયદો સેલ ઉભો કરાયો હોવા છતાં કોઇ નોંધપાત્ર કામગીરી થતી નથી.