રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 1,00,000 ગુણી મગફળીની આવક થવાની શક્યતા

રાત્રે 9:00 વાગ્યાથી મગફળીની આવક શરૂ કરાશે

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ફરી મગફળીની આવક શરૂ કરાશે. પડતર માલનો નિકાલ થતા આજે રાત્રે આવક આવવા દેવામાં આવશે. આ વખતે 1,00,000 ગુણી મગફળી ઠલવાઇ તેવી પુરેપુરી શક્યતા છે.

બેડી યાર્ડમાં પાંચ દિવસ પૂર્વે 80,000 ગુણી મગફળીની આવક થયા બાદ ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી આવકો પર પ્રતિબંધ મુકાયો હતો ત્યારે આજે પડતર માલનો નિકાલ થતા રાત્રિથી ફરી બમ્પર આવક શરૂ થશે અને વાહનોની લાંબી કતારો લાગશે.

આ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદન બાદ દિન પ્રતિદિન આવકમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે રાત્રિના 9:00 કલાકથી સવારના 6:00 કલાક સુધી આવક આવવામાં દેવામાં આવશે.

આજે 1,00,000 ગુણી મગફળી ઠલવાઇ તેવી પુરેપુરી શક્યતા છે. આ ઉપરાંત ખેડૂતોને ચાલુ વર્ષે રૂા.1400 થી 1700 સુધી પ્રતિમણ કપાસના સારા ભાવ ઉપજી રહ્યાં છે.