Abtak Media Google News

વાઇસ ચેરમેન તરીકે વસંત ગઢીયાની વરણી: આખી રાત બેઠકોનો ધમધમાટ ચાલ્યા બાદ સામાન્ય સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા દ્વારા પ્રદેશમાંથી આવેલા નામોની કરાઇ જાહેરાત: છેલ્લી ઘડીએ કપાતા પરસોત્તમભાઇ સાવલીયા નવા-જૂનીના મૂડમાં

 

અબતક-રાજકોટ

સૌરાષ્ટ્રના સૌથી મોટા વ્યાપારી પીઠા એવા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે યુવા ડિરેક્ટર જયેશભાઇ બોઘરાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનનો કળશ યુવા અગ્રણી વસંતભાઇ ગઢીયા પર ઢોળવામાં આવ્યો છે. યાર્ડના હોદ્ેદારોની નિમણૂંક માટે મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યા બાદ આજે સવારે યાર્ડની ચુંટણી પૂર્વે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા દ્વારા પ્રદેશમાંથી આવેલા હોદ્ેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

સિનિયર ડિરેક્ટર એવા પરસોત્તમભાઇ સાવલીયાના નામ છેલ્લી ઘડી સુધી ફાઇનલ માનવામાં આવતું હતું પરંતુ છેલ્લી ઘડીએ પ્રદેશ ભાજપના એક હોદ્ેદારએ પોતાના માનીતાને ચેરમેનની ખુરશી પર બેસાડી દેતા યાર્ડમાં અસંતોષની આગ ફાટી નીકળી છે. પરસોત્તમભાઇ આગામી દિવસોમાં નવી-જૂની કરવાના મૂડમાં હોવાની ચર્ચાઇ રહ્યુ છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના 16 ડિરેક્ટરોની ચુંટણી ગત ઓક્ટોબર માસમાં યોજાઇ હતી. જેમાં ભાજપે પ્રથમવાર સત્તાવાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. 16માંથી 15 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારો વિજેતા બન્યા હતા જ્યારે એકમાત્ર વેપારી વિભાગની બેઠક પર સ્વતંત્ર પેનલના અતુલભાઇ કમાણી ડિરેક્ટર તરીકે ચુંટાઇ આવ્યા હતા. આજે સવારે 11:00 કલાકે જામનગર જિલ્લાની રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે જયેશભાઇ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વસંતભાઇ ગઢીયાને સર્વાનુમતે ચુંટી કાઢવામાં આવ્યા હતાં. નવનિયુક્ત હોદ્ેદારોને શુભેચ્છા પાઠવવા માટે યાર્ડમાં સમર્થકો અને શુભેચ્છકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડની 16 બેઠક પૈકી 15 બેઠક પર જીત મેળવ્યા બાદ ભાજપે ચેરમેન અને વાઇસ ચેરમેન વરણી માટે તમામ ડિરેક્ટરોની સેન્સ લીધી હતી. ગઇકાલે ચેરમેન પદ માટે જયેશ બોઘરા, પરસોત્તમભાઇ સાવલીયા અને વિજય કોરાટના નામની પેનલ બનાવી પ્રદેશ ભાજપ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો અંતે છેલ્લી ઘડીએ યાર્ડના ચેરમેન તરીકે યુવા ડિરેક્ટર જયેશભાઇ બોઘરાના નામની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વસંતભાઇ ગઢીયાની વરણી કરવામાં આવી છે.

 

બિનઅનુભવી હોદ્દેદારો સૌરાષ્ટ્રના સૌથી મોટા પીઠ્ઠાની પથારી ફેરવી દેશે?

 

માર્કેટીંગ યાર્ડમાં પાટીલની નો-રિપિટ થિયરીથી પક્ષ કરતા ખેડૂતો અને વેપારીઓને વધુ નુકશાની જવાની ભીતી

 

 

નામ ફાઇનલ હોવા છતાં અંતિમ ઘડીએ કપાતા હવે પરસોત્તમભાઇ

સાવલીયા શું કરશે? તેના પર સહકારી જગતની મીટ

 

અબતક-રાજકોટ

સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં નો રિપિટ થિયરી સફળ રહ્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહકારી ક્ષેત્રમાં પણ પગદંડો જમાવા માટે અનુભવ્યો અને વર્ષોેથી સહકારી આલમમાં સામ્રાજ્ય ધરાવતા માધાંતાઓને સાઇટ લાઇન કરી બિન અનુભવીઓને ખુરશી ઉપર બેસાડી દીધા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા વેપારી પીઠા તરીકે જેની ગણના થાય છે તેવા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે જે ડિરેક્ટરોની વરણી કરવામાં આવી છે. તે તદ્ન બિનઅનુભવી છે. જેના કારણે યાર્ડના વહીવટની પથારી ફરી જાય તેવી અંદરખાને દહેશત વર્તાઇ રહી છે. પાટીલની નો રિપિટ થિયરીથી પક્ષ કરતાં ખેડૂતો અને વેપારીઓ માટે વધુ નુકશાન કરતા સાબિત થઇ જાય તેવી ભીતી પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. અંતિમ ઘડી સુધી ચેરમેનપદ માટે ફાઇનલ હોવા છતાં છેલ્લી ઘડીએ કપાતા હવે પરસોત્તમભાઇ સાવલીયા બળવો કરશે કે પાર્ટીલાઇનમાં ગોઠવાઇ જશે તેના પર સર્વેની મીટ મંડાયેલી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ગત ઓક્ટોબર માસમાં યોજાયેલી સામાન્ય ચુંટણીમાં ભાજપે તમામ જુના ડિરેક્ટરોને ઘરે બેસાડી દીધા હતા. એકમાત્ર પરસોત્તમભાઇ સાવલીયાને રિપિટ કરવામાં આવ્યા હતા. ત્યારે એવું માનવામાં આવી રહ્યુ હતું કે યાર્ડના ચેરમેન તરીકે સિનિયર ડિરેક્ટર એવા પરસોત્તમભાઇ સાવલીયાની નિમણૂંક કરવામાં આવશે. પરંતુ કોઇ કારણોસર છેલ્લી ઘડીએ તેઓનું નામ કપાઇ ગયુ છે. પ્રદેશમાંથી બંધ કવરમાં આવેલા નામમાં ચેરમેન તરીકે જયેશભાઇ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વસંતભાઇ ગઢીયાનું નામ નીકળ્યુ હતું. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં નો રિપિટ થિયરી અપનાવવામાં આવે તો ચાલે અને નવા ચુંટાયેલા નેતાઓ પાસે લોકોને કેટલી મોટી અપેક્ષા રહેતી નથી પરંતુ યાર્ડની ચુંટણીમાં અનુભવ્યોની જરૂર પડે છે. રાજકોટ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતના સૌથી મોટા યાર્ડ પૈકીનું એક છે. આવામાં જો બિનઅનુભવીને વહીવટ સોંપી દેવામાં આવે તો વેપારીઓ અને ખેડૂતોએએ નુકશાની વેઠવી પડે અને સાથોસાથ યાર્ડનો વિકાસ રૂંધાય જાય. છેલ્લા ઘણા સમયથી પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે નજીકનો ધરોબો ધરાવતા રાજકોટ જીલ્લા ભાજપના એક પૂર્વ પદાધિકારી અને હાલ પ્રદેશમાં મહત્વનું સ્થાન ધરાવતા નેતાના જૂથના જયેશ બોઘરાને રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સિનિયર હોવા છતાં પોતાના આશિયામાં ધકેલ દેવાતા પરસોત્તમભાઇ સાવલીયા હવે શું કરશે? તેના પર સર્વેની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.