- 145 દલાલોના જે.કે. ટ્રેડીંગમાં સલવાયેલા રૂ.17.19 કરોડ આગામી ત્રણથી ચાર મહિનામાં મળી જશે તેવી યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ બાહેંધરી આપતા દલાલો અને વેપારીઓ બુધવારથી ધંધો શરૂ કરવા તૈયાર થઇ ગયા
જીરાના ભાવમાં મોટી ઉથલપાથલ થવાના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડમાં જે.કે. ટ્રેડીંગ કંપનીના ઢોલરિયા બંધુઓએ 145 દલાલ મિત્રોને રૂ. 17.19 કરોડનું બુચ માર્યુ હતું. જેના વિરોધકમાં ગત બુધવારથી યાર્ડમાં તમામ પ્રકારની જણસીની હરારી બંધ કરી દેવામાં આવી છે. ઢોલરિયા બંધુ સામે ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા તેઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ નાણાં રિકવરીની પ્રક્રિયા ચાલી રહી છે.
દરમિયાન રાજકોટ માકેટીંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોધરાએ આગામી ત્રણથી ચાર મહિનામાં તમામ 145 દલાલોને તેઓના સલવાયેલા કરોડો રૂપિયા છુટા થઇ જશે તેવી પાણીદાર ખાતરી આપતા આવતીકાલથી યાર્ડમાં ફરી ધંધા રોજગારનો ધમધમાટ શરુ થઇ જશે.
માકેટીંગ યાર્ડમાં જે.કે. ટ્રેડીંગના બીપીનભાઇ ઢોલરીયા અને નીતેશભાઇ ઢોલરીયાએ ઉંચા ભાવે 145 દલાલ મારફત જીરાની ખરીદી કરી હતી. દરમિયાન જીરાના ભાવમાં અચાનક કડાકો બોલી જતા તેઓએ દલાલોને રૂ. 17.19 કરોડ ચુકવવામાં હાથ ઉંચા કરી દીધા હતા. જેના વિરોધમાં ગત બુધવારથી યાર્ડમાં દલાલો અને વેપારીઓ દ્વારા અચોકકસ મુદતનું બંધનું એલાન આપવામાં આપ્યું હતું. દરમિયાન આજે સતત છઠ્ઠા દિવસે યાર્ડ બંધ રહ્યું હતું. સામાન્ય દિવસોમાં જયારે સિઝન હોય ત્યારે યાર્ડનું દૈનિક ટર્ન ઓવર ર0 કરોડ આસપાસ રહેતું હોય છે. દરમિયાન હાલ જણસીની ખાસ આવક ન હોય યાર્ડનું દૈનિક ટર્ન ઓવર 6 કરોડ આસપાસ રહે છે યાર્ડ છેલ્લા 6 દિવસથી બંધ હોય 40 કરોડ આસપાસનો વેપાર ઠપ્પ થઇ ગયો છે.
યાર્ડ ફરી ધમધમતું થાય તે માટે યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોધરા અને ભાજપના અગ્રણી સંજયભાઇ રંગાણીએ મઘ્યસ્થી કરી હતી જેમાં જે 145 દલાલોના રૂ. 17.19 કરોડ જે.કે. ટ્રેડીંગમાં સલવાયા છે.તે આગામી ત્રણથી ચાર મહિનામાં અપાવી દેશે તેવી બાહેધરી આપી છે. ટુંકમાં દલાલોના પૈસા છુટા કરવાની જવાબદારી આ બન્ને આગેવાનો લીધી છે.
બીજી તરફ ઇકોનોમિકસ એફોન્સ વીંગ (ઇઓડબલ્યુ) હાલ ઉંઝામાંજે વેપારી પાસે જે.કે. ટ્રેડીંગના પૈસા સલવાયા છે તે રિકવર કરવા માટેની કાર્યવાહી કરી રહ્યું છે. દલાલોને પોતાના નાણા ટુંક સમયમાં છુટા થઇ જશે તેવી ખાતરી મળતા આજે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાએ એવી જાહેરાત કરી હતી કે માકેટીંગ યાર્ડ દલાલ મંડળ, વેપારી મંડળ અને બોર્ડ ઓફ ડિરેકટરો વચ્ચે યોજાયેલી બેઠકમાં સુખદ સમાધાન થતા આવતીકાલથી માકેટીંગ યાર્ડમાં રાબેતા મુજબ કામકાજ શરુ થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે.