Abtak Media Google News

આજી રિવરફ્રન્ટ, રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ અને ઇન્ડોર સ્ટેડિયમ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની માંગણી કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શહેરમાં ચાલતા વિકાસકામો પણ નાણાના અભાવે અટકી પડ્યા છે. આવામાં નવા કામો શરૂ કરી શકે તેવી તાકાત મહાપાલિકાની તીજોરી પાસે છે નહિં. નાણાના વાંકે વિકાસકામો ન અટકે તે માટે શાસકો સક્રિય બન્યા છે. આજે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ.કમિશનર ગાંધીનગર પહોંચી ગયા છે. અલગ-અલગ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ કરવામાં આવશે.

આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા ગાંધીનગર પહોંચી ગયા હતા. તેઓ સાંજે 5:30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રમત-ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. રાજકોટના પ્રતિનિધી તરીકે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પર્યાવરણ બોર્ડનું ક્લિયરન્સ સર્ટિફીકેટ મળી ચુક્યું છે.

આ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે રાજ્ય સરકારે થોડા મહિનાઓ પહેલા કલેક્ટર પાસેથી લઇ કોર્પોરેશનને સુપ્રત કર્યો છે. આ પ્રોજેક્ટ પણ શક્ય તેટલો ઝડપથી સાકાર થાય તે માટે પણ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.12માં કોર્પોરેશન દ્વારા નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવનાર છે. કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ આપબળે પૂરો કરી શકાય તેવી તાકાત કોર્પોરેશન પાસે નથી. આવામાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે પણ ગ્રાન્ટની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી આવક એકમાત્ર ટેક્સની છે. જેમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી. આવામાં શહેરનો વિકાસ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારિત થઇ ગયો છે. જો સરકાર સમયસર ગ્રાન્ટની ફાળવણી ન કરે તો વિકાસકામો અટકી પડે છે. આવી નાજુક સ્થિતિમાં કોર્પોરેશનના શાસકોએ દર બે મહિને મુખ્યમંત્રી પાસે રૂબરૂ જઇ ગ્રાન્ટ માટે ખોળો પાથરવો પડે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.