Abtak Media Google News

દર્દીઓ માટે ઓક્સિજનના ભરેલા બાટલાઓ લઈ ગયા બાદ લોકો ખાલી બાટલા પરત આપવા ન આવતા હોવાની થોકબંધ ફરિયાદો 

ઓક્સિજન કરતા તેના ખાલી બાટલાની અછત વધુ હોવાનું સામે આવી રહ્યું છે. દર્દીઓ માટે ઓક્સિજન ભરેલા બાટલાઓ લઈ ગયા બાદ દર્દીઓ ખાલી બાટલા પરત આપવા ન આવતા હોવાની થોકબંધ ફરિયાદ ઉઠવા પામી છે.

કોરોનાના કેસોમાં ભયંકર વધારો થતાં ઓક્સિજનની પણ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઉભી થઇ છે. જેના કારણે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે દર્દીઓ માટે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ઓક્સિજનના બાટલાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા ફક્ત નજીવી ડિપોઝીટ લઈ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. આ સિલિન્ડરનો કોઈ દુરપયોગ ન કરે અને વધુ પ્રમાણમાં દર્દીઓને જરૂરિયાત હોવાથી સિલિન્ડર માટે ડિપોઝીટ રાખવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ દિવસમાં ખાલી સિલિન્ડર પરત કરવાનો પણ નિયમ રાખવામાં આવ્યો છે જેથી કરીને વહેલી તકે અન્ય દર્દીઓને પણ આ સિલિન્ડર મળી શકે. પણ આવુ બનતું નથી. દર્દીઓ ખાલી બાટલા પરત આપવા આવતા ન હોવાની અનેક ફરીયાદ ઉઠવા પામી છે.

કોરોનાના વધતા કેસ અનેકના શ્વાસ થંભાવી દીધા છે. હોસ્પિટલમાં બેડ નથી, દર્દીઓ માટે ઇન્જેક્શન નથી એટલું જ નહીં દર્દીઓની સંખ્યા વધતા હવે ઓક્સિજનની પણ અછત છે. પૈસા દેતા પણ સિલિન્ડર મળતા નથી ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન સિલિન્ડર આપવાનો સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. પણ તે સેવા યજ્ઞમાં ઓક્સિજનના ખાલી બાટલા બાધારૂપ બન્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પોતાના સેવા કાર્યોથી ઓળાખાતા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ કોરોનાના આ કપરા કાળમાં હોમ ક્વોરન્ટાઇન થયેલા કોરોના દર્દીની વ્હારે આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા 1500 જેટલા નાના-મોટા ઓક્સિજન સિલીન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે જેમ-જેમ ખાલી થતા બાટલા પરત મળે તેમ તેમ ફરી તેમાં ઓક્સિજન ભરાવી વિતરણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. પણ આ વિતરણ કાર્યમાં દર્દીઓના સગા ખાલી બાટલા પરત ન આપતા હોવાથી બાધા ઉભી થઇ છે. દર્દીઓ પાસે અંદાજે રૂ. 5 હજારની ડિપોઝીટ લઈને બાટલા આપવામાં આવે છે.

ખાલી બાટલો પરત મળતા આ ડિપોઝીટ પરત આપી દેવામાં આવે છે. પણ દર્દીઓના સગા ખાલી બાટલા પરત આપવા ન આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ઉપરાંત અનેક દર્દીઓના પરિવારોએ તો આ ખાલી બાટલા રૂ. 15-15 હજારમાં ફૂંકી માર્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

ટ્રસ્ટે એફડી તોડીને ઓક્સિજનના બાટલા વિતરણનો સેવાયજ્ઞ શરૂ કર્યો

ઑક્સિજનની માગને પહોંચી વળવા માટે બોલબાલા ટ્રસ્ટે હોળીના તહેવાર પછી એફ.ડી.ની કુલ રૂ.28 લાખની રકમ તોડીને 1000 ઑક્સિજનના બાટલા ખરીદી સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. જરૂરિયાતમંદોને બોલબાલા ટ્રસ્ટે વિનામુલ્યે ઑક્સિજન આપવાનું શરૂ કર્યું હતું. ટ્રસ્ટ પ્રમુખ જયેશ ઉપાધ્યાય જણાવે છે કે, રાજકોટમાં સ્થિતિ ગંભીર છે તથા હોસ્પિટલમાં બેડ નથી. એકાએક ઑક્સિજનની માગ વધી છે. પોતાના ઘરે હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ થયા છે એ લોકો સૌથી વધારે ઑક્સિજન લેવા માટે આવે છે. હાલ માગ એટલી છે કે, 5000 મંગાવીએ તો પણ પહોંચાય એમ નથી. પૈસા હવે ટ્રસ્ટ પાસે નથી એટલે અપીલ લોકોને પણ કરીએ છીએ કે, તેઓ છૂટા હાથે દાન આપે.

સેવાની ચેઇનને યથાવત રાખવા દર્દીના પરિવારજનો ખાલી બાટલા પરત આપી જાય તે ખૂબ જરૂરી : જયેશભાઇ ઉપાધ્યાય

ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ કોરોનાની કપરી પરિસ્થિતિ છે. ત્યારે કોરોનાના દર્દીઓને ઓક્સિજનની ખૂબ જ જરૂર પડી રહી છે.  બોલબાલા ટ્રસ્ટે 1500 જેટલા ઓક્સિજન સિલીન્ડરનું વિતરણ કર્યું છે, લોકો સિલીન્ડર ખાલી થયા બાદ તુરંત પરત આપી જાય તે માટે સિક્યુરીટી રૂપે ડિપોઝીટ લેવામાં આવે છે જે રકમ ખાલી બાટલો મળ્યે પરત કરવામાં આવે છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા એમ્પાયર બિલ્ડીંગની પાસેના મેદાનમાં ઓક્સિજન સિલીન્ડર વિતરણ માટેનું સેન્ટર ખોલવામાં આવ્યું છે. દર્દીના સ્વજનો અહીં ઓક્સિજનનો બાટલો લેવા માટે પડાપડી કરી રહ્યા છે. દરરોજ અનેક લોકોને ઓક્સિજન સિલીન્ડર આપવામાં આવી રહ્યા છે. લોકો અહીં પોતાનું વાહન લઇ નામ-નોંધણી કરાવી, ડિપોઝીટ ભરી સરળતાથી ઓક્સિજન બિલિન્ડર મેળવી રહ્યા છે. બોલબાલા ટ્રસ્ટના આ પ્રયાસથી અનેક લોકોના જીવ બચાવવામાં મદદ મળી રહે છે સાચા અર્થમાં બોલબાલા ટ્રસ્ટ સામાજિક ઉત્તદારદાયીત્વ નિભાવી રહ્યું છે. અંતમાં જયેશભાઈએ એવી અપીલ કરી છે કે સેવાની ચેઇનને યથાવત રાખવા દરેક દર્દીઓના પરિવારજનો ખાલી બાટલા પરત આપી જાય તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.