ગુજરાતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ 2025-26 માટે તેના રૂ. 3,112.29 કરોડના બજેટમાં રહેણાંક અને બિન-રહેણાંક મિલકતો પર “ફાયર ટેક્સ” લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્થાયી સમિતિ સમક્ષ આ બજેટ રજૂ કર્યું. ગયા વર્ષે મે મહિનામાં શહેરના નાના માવા વિસ્તારમાં આવેલા TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગને પગલે આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં 27 લોકો માર્યા ગયા હતા.
‘રહેવા યોગ્ય રાજકોટ’ શીર્ષક ધરાવતા બજેટમાં મિલકત અને ઘરે ઘરે કચરાના સંગ્રહ સંબંધિત કરમાં વધારો કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત “સમાવેશક, ટકાઉ અને સમૃદ્ધ શહેરી વાતાવરણ” બનાવવામાં આવ્યું છે. પ્રસ્તાવિત ફાયર ટેક્સનો ઉદ્દેશ્ય શહેરના ફાયર સેફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને મજબૂત બનાવવાનો છે અને રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 15 અને બિન-રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 25ના દરે ગણતરી કરવામાં આવશે.
રાજકોટ મનપાનું વર્ષ 2025-26 નું અંદાજ પત્ર રજૂ કરતા મનપા કમિશ્નર તુષાર સુમેરા : રૂ.3112.29 કરોડનું બજેટ રજૂ કરાયું
રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેર દ્વારા નાણાકીય વર્ષ 2025-26નું લીવેબલ થીમ સાથેનું 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મનપા દ્વારા ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયું છે અને એ પણ મિલ્કત વેરા સમકક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે ડ્રાફ્ટ બજેટમાં સૂચન કરાયું છે. બીજી તરફ મિલ્કત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ જંગી વધારો સૂચન કરાયું છે.
પ્રથમ વખત લીવેબલ થીમ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લીવેબલ થીમ એટલે કે શહેરને વધુ લીવેબલ બનાવવા માટે લીવેબલ સિટીના વૈશ્વિક માપદંડોને ધ્યાનમાં રાખી આયોજન કરી ફંડની ફાળવણી પણ કરવામાં આવી છે. લીવેબલ ઈન્ડેક્ષ મુજબ મુખ્યત્વે માળખાકીય સુવિધા જેવી કે શિક્ષણ અને આરોગ્ય, તેમજ સામાજિક આર્થિક ભૌતિક અને સંસ્થાકીય સુવિધા મજબૂત બનાવવામાં આવશે. જેમાં બજેટનું વિતરણ 59% ભૌતિક, 6% આર્થિક, 18% સામાજિક અને 17% સંસ્થાકીય ફાળવણી કરવામાં આવી છે.
100 નવી CNG બસ અને 34 ઈલેક્ટ્રિક બસ ફાળવાશે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, જાહેર પરરવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી CNG બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે. એટલું જ નહિ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં AI સિસ્ટમ નો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે. જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.
મિલ્કત વેરા અને ગાર્બેજ કલેકશનમાં વધારો સૂચવાયો
રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો છે. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા કરાયું સૂચન જયારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કર્યું છે એટલે કે મકાનવેરા મારફત આ વધારાથી મનપાને 40 કરોડની આવક થવાની ધારણા છે જયારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 4 ગણો વધારો કરી રહેણાંક મિલકતો માટે 365થી વધારી સીધો 1460 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતો માટે બમણો વધારો કરી 2920 રૂપિયા કરવા સૂચન કર્યું છે.
રાજ્યમાં પ્રથમવાર રાજકોટ મનપામાં ફાયર ટેક્સ વસૂલવા સૂચન રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું છે હવે શાશકો દ્વારા આ બજેટનો અભ્યાસ કરી બજેટ રજૂ કરવામાં આવશે જેમાં રાજકોટવાસીઓ પર સૂચવવામાં આવેલ કરબોજ ઘટાડવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. આ ઉપરાંત ચાલુ વર્ષે વાહન વેરામાં 30 કરોડની આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અને થિયેટર ટેક્સ ગત વર્ષે 10 લાખ સામે આ વર્ષે 12 લાખની આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.