Abtak Media Google News

પોલીસે ઢોર માલિક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથધરી : હુમલાના સીસીટીવી વાયરલ

રાજકોટ શહેરમાં રસ્તે રઝળતા પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે, તેમજ ગાય સહિતના પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે, છતાં રસ્તે રઝળતા પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલી મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિ તેનો ભોગ બની છે. જામનગર રોડ પર ભોમેશ્વર મંદિર પાસે જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં નવલસિંહ ધીરુભા ઝાલા (ઉ.વ.50 રહે.જામનગર રોડ) ચાલીને જતા હતા ત્યારે રસ્તા પર એક ગાયએ આ પ્રૌઢને ઉલાળતા તેને ગંભીર ઈજા પોહચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે પોલીસે ઢોર માલિક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

પ્રૌઢને ગાયે ઢીંક માર્યાની ઘટના સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ છે જે વાયરલ થતા લોકોમાં વધુ એક વાર રોષની લાગણી ફેલાઈ છે. આ પહેલા ગોપાલ ચોક પાસે સવારે દૂધ લેવા જતા એક વૃધ્ધને ગાયએ હડફેટે લઈને તેના પર હુમલો કરતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ બનાવમાં ગુનો નોંધાયો હતો પરંતુ, હજુ આરોપીઓ પકડાયા નથી ત્યાં બીજો બનાવ બન્યો છે. જામનગર રોડ પરના આ બનાવમાં પ્રૌઢને સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે અને પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

શહેરમાં મનપા ગત વર્ષ ઈ.2021-22માં રસ્તે રઝળતા 8024 ઢોર પકડ્યા હતા તેમાંથી દંડ વસુલીને માત્ર 1462 ઢોર જ છોડાવાયા હતા અને બાકીના વિવિધ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. ચાલુ વર્ષે બે માસથી દર મહિને 1 હજાર ઢોર પકડાય છે જેમાંથી 200થી 250 ઢોર છોડવામાં આવે છે. પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે તો પણ તેની અમલવારી થતી ન હોવાનું  સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.