રાજકોટ મહાનગરપાલિકા પણ સીરો સર્વે કરશે: 1800 લોકોના લોહીનું થશે પરીક્ષણ

વૈશ્ર્વિક મહામારી કોરોના છેલ્લા દોઢ વર્ષથી દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર અને વેક્સિનેશનની કામગીરીના 6 મહિના બાદ લોકોમાં એન્ટીબોડી કેટલા પ્રમાણમાં નિર્માણ થયા છે. ચકાસણી માટે સીરો સર્વે હાથ ધરવામાં આવે છે. અમદાવાદ મહાપાલિકા દ્વારા અગાઉ બે વખત સીરો સર્વે કરવામાં આવી ચૂક્યો છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સુચના મુજબ આવતા સપ્તાહે સીરો સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં શહેરના તમામ 18 વોર્ડમાં 1800 લોકોના લોહીના સેમ્પલ લઈ એન્ટીબોડી માટે પરીક્ષણ કરવામાં આવશે.

સંભવત: આવતા સપ્તાહે સીરો સર્વે માટે 50 ટીમોને ફિલ્ડમાં ઉતારાશે: સ્ટાફને 2 દિવસની તાલીમ અપાશે: શહેરીજનોમાં એન્ટીબોડી ચકાસણી માટે લોહીના સેમ્પલ લીધા બાદ મેડિકલ કોલેજમાં જમા કરાવાશે: વ્યક્તિગત રિપોર્ટ જાહેર નહીં કરાય

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે રાજ્યભરમાં લોકોને રોગપ્રતિકારક શક્તિની ચકાસણી કરવા માટે સરકાર દ્વારા અપાયા સિરો સર્વેના આદેશ: રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં પણ કરવામાં આવશે એન્ટીબોડી ટેસ્ટ

આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં પ્રથમવાર શહેરીજનોમાં રહેલા એન્ટીબોડીની ચકાસણી માટે સીરો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે એક પરિપત્ર દ્વારા કોર્પોરેશનને સીરો સર્વે કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. શહેરના 18 વોર્ડમાં સીરો સર્વેની કામગીરી માટે કુલ 50 ટીમોને ફિલ્ડમાં ઉતારવામાં આવશેે. ચોક્કસ કલ્સ્ટર બનાવી એક ટીમ દ્વારા 36 વ્યક્તિઓના લોહીના સેમ્પલ લેવામાં આવશે. કુલ 50 ટીમો દ્વારા 1800 વ્યક્તિના લોહીના સેમ્પલ લેવાશે.

આ માટેની કામગીરી કરવા ટૂંક સમયમાં સ્ટાફને તાલીમ આપવામાં આવશે અને સીરો સર્વેની કામગીરી કઈ રીતે હાથ ધરવી તે અંગે માહિતીગાર કરવામાં આવશે. સામાન્ય રીતે જે વ્યક્તિને એક વખત કોરોના થઈ ગયો હોય છે તે વ્યક્તિના લોહીનું સેમ્પલ લઈ તેમાં વેક્સિન લીધા પહેલા અને વેક્સિન લીધા બાદ કેટલા પ્રમાણમાં એન્ટીબોડી જોવા મળે છે તે અંગે પરિક્ષણ કરવામાં આવતું હોય છે. વાસ્તવમાં જે વ્યક્તિ એકપણ વકત કોરોનાથી સંક્રમીત થયો નથી તેનો સીરો સર્વે હાથ ધરવામાં આવે તો સાચી માહિતી પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સીરો સર્વે કરવાની કામગીરી મેડિકલ કોલેજની છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ કામગીરીમાં તેઓને સહયોગ આપવામાં આવશે. 50 ટીમો દ્વારા અંદાજે 1800 વ્યક્તિના લોહીના સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મેડિકલ કોલેજમાં જમા કરાવી દેવામાં આવશે.

ત્યારબાદ મેડિકલ કોલેજ દ્વારા શહેરીજનોમાં કેટલાં પ્રમાણમાં એન્ટીબોડી છે તેની ટકાવારી જાહેર કરાશે. કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીપોર્ટ આપવામાં આવશે નહીં. સીરો સર્વે માટે જરૂરી કિટ વસાવવા રાજ્ય સરકાર દ્વારા કાર્પોરેશનને રૂા.1.50 લાખની ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો મક્કમતાપૂર્વક સામનો ર્ક્યા બાદ હવે સંભવિત ત્રીજી લહેર પૂર્વે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં લોકોના શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિની ચકાસણી કરવા માટે સીરો સર્વેની કામગીરી હાથ પર લેવામાં આવનાર છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં જિલ્લાભરમાં સીરો સર્વે કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓની રોગપ્રતિકારક શક્તિની ચકાસણી માટે આવતા સપ્તાહે સીરો સર્વેની કામગીરી હાથ પર લેવામાં આવશે. આ સર્વે કઈ રીતે કરવામાં આવશે અને ક્યારથી કરાશે તેની સત્તાવાર તારીખ અને સમય આગામી દિવસોમાં જાહેર કરાશે.