Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રજૂ કરેલા બજેટમાં રૂા.25.10 કરોડની યોજનાઓ ઉમેરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ

અબતક-રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2022-23નું મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરેલા રૂા.2334.94 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂા.25.10 કરોડનો વધારો કરી રૂા.2355.78 કરોડના બજેટને બહાલી આપી હતી. કમિશનરે વાહન વેરાના દરમાં વધારો કરવા સુચવ્યો હતો. જેમાં ખડી સમિતિ દ્વારા આંશિક વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં વાહન વેરાનો દર 2.50 ટકાથી 5 ટકા સુધી રાખવાનું સુચન કરાયું હતું. દરમિયાન વિસ્તૃત અભ્યાસના અંતે સ્ટેન્ડિંગ કમિટી વાહન વેરો 1.50 ટકાથી 3 ટકા સુધી મંજૂર કરવામાં આવ્યો છે. જેનાથી વધારાથી 6 થી 7 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. બજેટમાં મોટી-મોટી જાહેરાત કરવાના બદલે શાસકો દ્વારા વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચેરમેન પુષ્કરભાઇ પટેલે પાંચમી વખત બજેટ રજૂ કરી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પછી સૌથી વધુ વખત કોર્પોરેશનનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

કમિશનરે વાહન વેરો 2.50 ટકાથી 5 ટકા કરવાનું સુચવ્યું હતુ ખડી સમિતિ વાહન વેરો 1.50 ટકાથી 3 ટકા મંજૂર કર્યો: વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ

સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ-2022-23ના રૂા.2355.78 કરોડના બજેટને બહાલી આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત રાજકોટવાસીઓએ ભાજપ પર વિશ્ર્વાસ મૂકી તોતીંગ બહુમતી આપી હતી. નવી ચૂંટાયેલી પાંખે ગત તા.12/3/2021ના રોજ સત્તા સંભાળી હતી. દશ માસ બાદ મહાપાલિકાના આર્થિક લેખા-જોખા રજૂ કરવાનો અવસર મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગત બીજી ફેબ્રુઆરીના રોજ રૂા.2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વાહન વેરામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલ મહાપાલિકા દ્વારા 1 થી 2 ટકા મુજબ વાહન વેરો વસૂલવામાં આવે છે. જે વધારી 2.50 ટકાથી 5 ટકા સુધી કરવાની દરખાસ્ત હતી. સ્ટેન્ડિંગ કમિટીએ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી વાહન વેરામાં આંશિક વધારો કરી શહેરીજનોને રાહત આપવામાં આવી છે.

સતત ત્રણ વર્ષથી નિયમિત વેરો ભરનાર પ્રામાણિક કરદાતાને વધારાનું 1 ટકા વળતર: ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ, વર્ચ્યુઅલ સિવિક સેન્ટર, પેમેન્ટ થ્રુ હેન્ડ હેન્ડ ડિવાઇસ, મોબાઇલ લેબોરેટરી, પોર્ટેબલ એક્સરે મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવાની જાહેરાત.

હાલ મહાપાલિકા દ્વારા એક લાખ સુધીના પર એક ટકા લેખે વેરો વસૂલ કરવામાં આવે છે. જે 2.50 ટકા કરવા સુચવવામાં આવ્યું હતું. દરમિયાન સ્ટેન્ડિંગે 1.50 ટકા વેરો રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 1 લાખથી લઇ આઠ લાખ સુધીના વાહનો પર 2 ટકા વેરો વસૂલવામાં આવે છે જે 2.50 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે આઠ લાખથી ઉપરના તમામ વાહનો પર 2.75 ટકાથી 5 ટકા સુધી વાહન વેરો વસૂલવાની દરખાસ્ત કરવામાં જેમાં 3 ટકા લેખે વાહન વેરો વસૂલવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે મેટાડોર, મીની બસ, ટ્રક, મોટી બસ પ્રકારના વાહનો પર 2 ટકા વેરો યથાવત રાખવામાં આવ્યો છે. વાહન વેરામાં આંશિક વધારાથી મહાપાલિકાને વર્ષ દહાડે વધારાની 6 થી 7 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

01

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ  પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, હજુ વૈશ્ર્વિક મહામારીએ વિદાય નથી લીધી આવા કપરા સમયમાં પણ આગામી વર્ષમાં વિકાસનો સીલસીલો આગળ ધપાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી કૃતનિશ્ર્ચયી છે. મ્યુનીસીપલ કમિશનરે રજૂ કરેલા રૂા.2334.94 કરોડના બજેટમાં ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી જ્યાં ખર્ચમાં કાપ મુકવાની જરૂરીયાત હતી ત્યાં કાપ મૂકાયો છે.

જ્યાં વધારાની નાણા ફાળવવાની જરૂરીયાત હતી તેમાં વધારો કરી બજેટના કદમાં 25.10 કરોડનો વધારો કરી આજે ખડી સમિતિ દ્વારા રૂા.2355.78 કરોડનું બજેટ મંજૂ કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

લોકોની સુખાકારી માટે કેટલીક સેવાઓ અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકમાં કોર્પોરેશનની આર્થિક સ્થિતિને સાપેક્ષમાં રાખી વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પ્રામાણીક કરદાતાઓ જ શહેરના વિકાસના સાચા સારથી છે. તેઓને પ્રોત્સાહિત કરવા માટે સતત ત્રણ વર્ષથી નિયમિત વેરા વળતર યોજનાને લાભ લેતા કરદાતાઓને મિલકત વેરામાં વિશેષ 1 ટકો વળતર આપવામાં આવશે. જ્યારે દિવ્યાંત મિલકત ધારકોને મિલકત વેરામાં 5 ટકા વધુ વળતર આપવામાં આવશે. ટીપીના રસ્તાઓ માટે બજેટમાં 4.50 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂા.4.50 કરોડનો વધારો કર્યો છે. નવા ભળેલા વિસ્તારોમાં રસ્તા કામો માટે અલગથી 4 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હોમુ દસ્તુર રોડ પર રેલવે ટ્રેક નીચે નાલુ બનાવવા માટે 3 કરોડ ફાળવાયા છે.

શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના રિનોવેશન માટે રૂા.2.50 કરોડની અને કનક રોડ ફાયર બ્રિગેડના નવીનીકરણ માટે રૂા.2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તમામ વોર્ડમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક પ્લોટમાં પેવિંગ બ્લોક નાખી મહિલાઓ માટે એરોબિક્સ સેન્ટર બનાવાશે. કોર્પોરેશનની માલિકીના નવા બે ડિઝલ પમ્પ બનાવાશે. રેલનગર અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને લિકેજની સમસ્યા ઉકેલવા ટેકનિકલ સર્વે કરવામાં આવશે.

વાઇટ ટોપીંગ ટેકનોલોજીનો રોડ બનાવવામાં આવશે. બાળકો માટે ઇન્ટર એક્ટિવ પાર્ક અને નવા ભળેલા વિસ્તારોમાં ગાર્ડની સુવિધા ઉભી કરવામાં આવશે. બાળકો માટે સ્પોર્ટ્સ ફિએસ્ટા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરીજનો માટે આરોગ્યલક્ષી સેવા-સુવિધામાં વધારો કરવા માટે મહાપાલિકા દ્વારા એક પોર્ટેબલ એક્સરે મશીનની ખરીદી કરવામાં આવશે. જેના માટે રૂા.25 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મોબાઇલ લેબોરેટરીની સુવિધા ઉભી કરવામાં આવશે.

વહિવટી સુધારણા માટે પેમેન્ટ થ્રુ હેન્ડ હેન્ડ ડિવાઇસ અને વર્ચ્યુઅલ સિવિલ સેન્ટર, ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. વધારાની આવક ઉભી કરવા હવે મહાપાલિકા હસ્તકની 38 એલઇડીની હોર્ડિંગ સાઇટ ખાનગી કંપનીઓને જાહેરાત માટે ભાડે આપવામાં આવશે. જેનાથી વાર્ષિક 4 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે.

તેઓએ અંતમાં ઉમેર્યું હતું કે મહાપાલિકની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.