Abtak Media Google News

કાર્યક્રમ અંતર્ગત સાઇબર ક્રાઇમના એ.સી.પી. સહિત મુખ્ય વડાઓ રહ્યા ઉપસ્થિત

સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડયુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં સાઇબર ક્રાઇમ અવેરનેસ અને ડિજીટલ બેંકિંગ યુટીલીટી વિષયક સેમિનાર બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે યોજાઇ ગયો.

વિશાલ રબારી (એસીપી-સાઇબર ક્રાઇમ)એ વિસ્તૃત છણાવટ સાથે સાઇબર ક્રાઇમની માહિતી રજુ કરતાં જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમનો ભોગ બનવા માટે મહદ્ અંશે આપણે પોતે પણ જવાબદાર છીએ. કેટલીયવાર નાની સરખી બેદરકારી કે વધુ પડતો આત્મવિશ્ર્વાસ પણ સાઇબર ક્રાઇમનો ભોગ બનતા જોવા મળે છે. આજના સમયમાં પોલીસનો સાઇબર સેલ એટલો સક્ષમ બન્યો છે કે અઘરામાં અઘરા કિસ્સાને પણ ઉકેલી શકે છે. ગુનાના ભોગ બનનાર જો સમયસર સાઇબર સેલને ફરિયાદ કરે તો શકયત: ફરિયાદ નિવારણ પણ થઇ શકે છે. આર્થિક ફ્રોડના અનેક કિસ્સામાં રકમ પાછી પણ મળી શકી છે.’ આ તકે તેઓએ અનેક કિસ્સાની માહિતી આપી ભૂલ નિવારણ માટે સાવચેત રહો-સુરક્ષિત રહોની વાત દોહરાવી હતી.

બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકરે સાઇબર ક્રાઇમની ઘટનામાં પોલીસ વિભાગ દ્વારા મળતા સહયોગને બિરદાવ્યો હતો અને આ પ્રકારના સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારી રૂબરૂ આવીને માહિતી આપી તે સૌજન્યને વિષયની ગંભીરતા સમજી ઉપસ્થિત સહુને જાગૃત બનવા અને વધુને વધુ લોકોને સર્તક કરવા અનુરોધ કર્યો હતો.

બેંકના વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ પોતાની સાથે બનેલા એક પ્રસંગની વાત કરતાં જણાવ્યું હતું કે, તેમના વ્યવસાયમાં સાઇબર એટેક થયો. હેકરે તમામ ડેટા હેક ર્ક્યો અને બીટકોઇનમાં રકમ માગી. તે પરિચિતે કોમ્પ્યુટર હાર્ડ ડીસ્કને રાજકોટ અને બહારગામ પ્રોફેશનલી ધોરણે કાર્યરત અનેક સંસ્થામાં ડેટા રિકવર માટે સંપર્ક ર્ક્યો. કામ થયું. અંતે પોલીસના સાઇબર સેલમાં ગયા, સાયબર સેલે તે હાર્ડ ડીસ્કના ડેટાને 90 ટકા સુધી રિકવર કરી આપ્યો. અત્યારના સમયનું સાઇબર સેલ કેટલું સક્ષમ થયું છે, તેનું આ જવલંત ઉદાહરણ છે. સાયબર ગુનાના ભોગ બન્યાના કિસ્સામાં આપણે આળસ કે માહિતીના અભાવે સાઇબર સેલમાં જતા નથી પરંતુ હવે તેમ કરવાને બદલે પ્રથમ કામ સાઇબર સેલમાં જવું એ જ સાચો રસ્તો છે.

બેંકના એ.જી.એમ. (બેંકિંગ) જયેશભાઇ છાટપારે બેંકની નવી સુવિધા વ્હોટસએપ બેંકિંગની માહિતી આપતાં જણાવ્યું હતું કે, હવેનો યુગ ડિજીટલ બેંકિંગનો છે. આપણામાંથી વ્હોટ્સએપ ન વાપરતા હોય તેવા લોકો આંગળીના વેઢે ગણવા પડે તેવી સ્થિતિ આવી ચૂકી છે. આવા સમયે બેંક ખાતેદારોને વ્હોટ્સએપ બેંકિંગ સુવિધા આપતાં આનંદ અનુભવે છે.

બેંકના ઓફિસર (આઇ.ટી.) ભાર્ગવભાઇ પાટડીયાએ ઇન્ટરનેટ બેંકિંગમાં વ્યુ-ઓન્લી મોડની સમજણ આપી હતી.

આ સેમિનારમાં વિશેષમાં વિશાલ રબારી (એસીપી-સાયબર ક્રાઇમ) ઉપરાંત સાઇબર સેલના અન્ય અધિકારીઓ,  રાણાભાઇ (પીએસઆઇ), વેગડભાઇ (પીએસઆઇ), રાહુલભાઇ ઠાકુર, બેંક પરિવારમાંથી શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), રજનીકાંત રાયચુરા (ડીજીએમ) અને 450થી વધુ કર્મચારીએ રાજકોટ ખાતે રૂબરૂ અને 500થી વધુ કર્મચારીઓ બહારગામની શાખાઓમાંથી ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશાલ રબારીનું પુસ્તક અને ખાદીના રૂમાલ વડે શૈલેષભાઇ ઠાકર અને વિનોદ કુમાર શર્માએ અભિવાદ ર્ક્યું હતું. આભારદર્શન જીમ્મીભાઇ દક્ષીણીએ અને સરળ-સફળ સંચાલન જયેશભાઇ છાટપારે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.