Abtak Media Google News

વૃક્ષારોપણ અને જતનનો કોન્ટ્રાકટ સદ્ભાવના વૃદ્ધાશ્રમને અપાયો: ગો ગ્રીન યોજનાની અમલવારી શરૂ કરતું કોર્પોરેશન

30 ફૂટથી ઓછા પહોળા રોડ પર વૃક્ષારોપણ નહીં કરાય: ઈજનેરોનો ટેકનીકલ અભિપ્રાય બાદ વાવેતર કરાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં શહેરમાં ગો ગ્રીન યોજના હેઠળ વૃક્ષારોપણની કામગીરી હેઠળ વૃક્ષારોપણ કરવા અને 3 વર્ષ સુધી તેની જાળવણી કરવાનો કોન્ટ્રાકટ જાણીતી સેવાકીય સંસ્થા સદ્ભાવના વૃદ્ધાશ્રમને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા પ્રથમ વખત વૃક્ષારોપણ માટે પોલીસી જાહેર કરવામાં આવી છે. જે રીતે અગાઉ ટ્રી ગાર્ડ માટે કોર્પોરેટરનો ભલામણ પત્ર ફરજિયાત હતો તે રીતે હવે વૃક્ષારોપણ માટે પણ નગરસેવકની ભલામણ ફરજિયાત કરવામાં આવી છે. આટલું જ નહીં 30 ફૂટથી ઓછી પહોળાઈ ધરાવતા રાજમાર્ગો પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે નહીં. ઈજનેરોનો ટેકનીકલ અભિગમ આવ્યા બાદ વૃક્ષાનું રોપણ કરવામાં આવશે. ગો ગ્રીન યોજનાની અમલવારી આગામી સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ શરૂ કરી દેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા ચોમાસાની સીઝનમાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપવા ટ્રી ગાર્ડનું વિતરણ કરવામાં આવતું હતું. આ વર્ષે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ટ્રી ગાર્ડની ખરીદીના બદલે વૃક્ષારોપણનો નિર્ણય લેવામાં આવ્યો છે જે કોન્ટ્રાકટર શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સદ્ભાવના વૃદ્ધાશ્રમની આપવામાં આવ્યો છે. જેમાં માત્ર ખાડો ખોદી 8 થી 10 ફૂટનું વૃક્ષનું વાવેતર કરી તેમાં ખાતર નાખી અને ટ્રી ગાર્ડથી સુરક્ષીત કરવા બદલ સંસ્થાને પ્રતિ વૃક્ષ રૂા.650 ચૂકવવામાં આવશે અને જો ત્રણ વર્ષ માટે તે નિભાવ અને જાળવણી કરશે તો વધારાના 600 સહિત રૂા.1250 ચૂકવવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વૃક્ષારોપણ વાસ્તવમાં રાજમાર્ગો પર દેખાય તે માટે પ્રથમવાર પોલીસી ઘડવામાં આવી છે. જેમાં શહેરના તમામ વોર્ડમાં 30 ફૂટ કે તેથી વધુ પહોળા રોડ પર પ્લાન્ટેશન કરવામાં આવશે જેમાં ખાડો ખોદી ટ્રી ગાર્ડ ફીટ કરી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. વોર્ડમાં આવતા સોસાયટીના કોમન પ્લોટ, મંદિર, ખુલ્લા મેદાન, સ્કૂલ, વોર્ડ ઓફિસે વાવેતર કરી શકાય તેવી જગ્યાની વિગતો આપવી પડશે.

દરેક વોર્ડમાં વૃક્ષારોપણ કરવા ઈચ્છતા નાગરિકોએ કોર્પોરેટરના ભલામણ પત્ર સાથેની અરજી વોર્ડ ઓફિસરને આપવાની રહેશે. જો નગર સેવક પણ જગ્યા સુચવવા માંગતા હશે તો તેને પણ વોર્ડ ઓફિસરને લેખીતમાં ભલામણ કરવાની રહેશે. વોર્ડ ઓફિસર સ્થાનિક ઈજનેરને સાથે રાખી ટેકનીકલ અભિપ્રાય આપશે કે જે સ્થળે વૃક્ષનું વાવેતર કરવામાં આવનાર છે ત્યાં નીચેથી કોઈ પાઈપ લાઈન પસાર થતી નથી અને નજીકના ભવિષ્યમાં આ રોડને કોઈ મોટા પ્રોજેકટ માટે કપાતમાં લેવામાં આવનાર નથી. તમામ અભિપ્રાય બાદ જ વૃક્ષારોપણ કરવામાં આવશે.

જે વૃક્ષારોપણ બાદ સંસ્થાને 3 વર્ષ માટે મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવામાં આવનાર છે તે માટે 60 ફૂટ કે તેથી વધુનો રસ્તો હોય તેવા રાજમાર્ગ અને ડિવાઈડર તેમજ રોડની સાઈડના પડખાની પસંદગી કરવામાં આવશે. શહેરમાં હયાત અને ભળેલા ટીપીના રિઝર્વ પ્લોટમાં વૃક્ષારોપણ કરી શકાય કે કેમ ? તે માટેની વિગતો આપવાની રહેશે.

આગામી સાતમ-આઠમના તહેવાર બાદ ગો ગ્રીન યોજનાની અમલવારી શરૂ કરી દેવામાં આવશે. જે અંતર્ગત વૃક્ષારોપણની કામગીરીને વધુને વધુ વેગ મળે તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગો ગ્રીન યોજનાની માહિતી આપતી ગાડી રોજ ત્રણેય ઝોનમાં અલગ અલગ વોર્ડમાં ફેરવવામાં આવશે.

જેમાં સોમવારે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1, સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.2 અને ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.4 આજ રીતે મંગળવારે વોર્ડ નં.8, 3 અને 5, બુધવારે વોર્ડ નં.9,7 અને 6, ગુરૂવારે વોર્ડ નં.,10,13 અને 15, શુક્રવારે વોર્ડ નં.11, 14 અને 16 જ્યારે શનિવારના રોજ વેસ્ટ ઝોનના વોર્ડ નં.12, સેન્ટ્રલ ઝોનના 17 અને ઈસ્ટઝોનના વોર્ડ નં.18માં આ ગાડી ફરશે જેમાં વૃક્ષારોપણ માટે અરજી કરનાર પર્યાવરણપ્રેમીની અરજીનો એક અઠવાડિયામાં નિકાલ થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવશે. પ્રથમ વર્ષમાં 25 થી 40 હજાર વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.