Abtak Media Google News

ક્યાં કારણોસર ફાયર એનઓસી મેળવ્યું નથી તેની ચકાસણી કરાશે: પેટ્રોલ પંપના સંચાલકો સાથે પણ બેઠક

હોસ્પિટલ, શાળા-કોલેજ, પેટ્રોલપંપ અને હાઈરાઈઝ બિલ્ડીંગોને ફાયર એનઓસી આપવા માટે કોર્પોરેશન દ્વારા નવી પોલીસી અખત્યાર કરવામાં આવી છે. જો સ્થળ પર પુરતા સાધન વસાવેલા હશે તો ફાયર બ્રિગેડ શાખા દ્વારા ઓન ધ સ્પોટ ફાયર એનઓસી આપી દેવામાં આવશે. ક્યાં કારણોસર ફાયરનું એનઓસી લેવામાં આવ્યું નથી તેની પણ હવે ચેકિંગ દરમિયાન ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ પેટ્રોલપંપ જીવતા બોમ્બ ન બને અને ત્યાં ફાયરની પુરતી સુવિધા ઉપલબ્ધ બને તે માટે પેટ્રોલપંપના સંચાલકો સાથે ટૂંક સમયમાં એક બેઠક યોજવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ફાયર બ્રિગેડ શાખા દ્વારા અલગ અલગ 45 સ્થળોએ મુલાકાત લેવામાં આવી હતી. જે અંતર્ગત ફાયર બ્રિગેડના તમામ સાધનો ધરાવતા 8 આસામીઓને ઓન ધ સ્પોટ સ્થળ પર જ ફાયરના એનઓસી આપી દેવામાં આવ્યા હતા. ક્યાં કારણોસર શાળા-કોલેજો કે હોસ્પિટલ ફાયર એનઓસી મેળવતી નથી તેના કારણ જાણવા માટે પણ સમીક્ષા કરવામાં આવશે. અલગ અલગ સ્થળોએ નિયમીત ચેકિંગ કરી ફાયરનું એનઓસી લેવા માટે પુરતી સમજણ આપવામાં આવશે. શહેરમાં આવેલા 37 પેટ્રોલપંપના સંચાલકો ફાયર એનઓસી લેવામાં થોડી અસમંજસની સ્થિતિમાં છે.

કારણ કે તેઓ એવું ઈચ્છી રહ્યાં છે કે, કંપની દ્વારા એનઓસીની પ્રોસીઝર કરવામાં આવે જ્યારે કંપનીએ આ જવાબદારી ડિલરો પર છોડી છે. જેના કારણે સમસ્યા હલ થતી નથી. દરમિયાન પેટ્રોલપંપના સંચાલકો સાથે ટૂંક સમયમાં ડીએમસી દ્વારા એક બેઠક યોજવામાં આવશે જેમાં ફાયર એનઓસી અંગે માહિતી આપી ઝડપથી તે મેળવી લે તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. ટૂંકમાં હવે પુરતા સાધનો હશે તો સ્થળ પર જ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી આપી દેશે. આ નવી સીસ્ટમ અમલમાં મુકી દેવામાં આવી છે. કોઈ આકરી કાર્યવાહી કરતા પહેલા દરેક શાળા-કોલેજો કે હોસ્પિટલો સહિતની સંસ્થાઓએ ફાયર એનઓસી માટે મહાપાલિકા દ્વારા પુરતી સમજણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.