Abtak Media Google News

ડેપ્યુટી ઇજનેર, એસઆઇ, એટીપી અને વોર્ડ ઓફિસરો સવારે 11 થી 12 એક કલાક વોર્ડ ઓફિસે બેસશે: ટૂંક સમયમાં મ્યુનિ.કમિશનર દ્વારા પ્રસિદ્વ કરાશે નવો પરિપત્ર

 

અબતક, રાજકોટ

શહેરીજનોની સમસ્યાઓથી વાકેફ થવા માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા વોર્ડ યાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં તેઓ રોજ એક વોર્ડની મુલાકાત લઇ ત્યાંની પરિસ્થિતિથી વાકેફ થાય છે.

છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલી વોર્ડ યાત્રા દરમિયાન એવું માલૂમ પડ્યુ છે કે વોર્ડ ઓફિસે અધિકારીઓની હાજરી હોતી નથી. જેના કારણે લોકોએ નાછૂટકે ઝોન ઓફિસ સુધી ધક્કો ખાવો પડે છે.

હવેથી ડેપ્યુટી ઇજનેર, એસઆઇ, એટીપી અને વોર્ડ ઓફિસરોએ સવારે 11 થી 12 એમ એક કલાક વોર્ડ ઓફિસે બેસવું પડશે અને લોકોની સમસ્યાઓ પણ સાંભળીને તેનો નિકાલ કરવો પડશે. આ અંગે ટૂંક સમયમાં નવો પરિપત્ર પ્રસિદ્વ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે વોર્ડ યાત્રા દરમ્યાન એવું માલૂમ પડી રહ્યુ છે કે પાણી, કચરો અને બાંધકામને લગતી ફરીયાદ સૌથી વધુ છે. લોકો એવી પણ ફરીયાદો પણ કરી રહ્યા છે કે વોર્ડ ઓફિસે જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાના કારણે તેઓએ નાછૂટકે ઝોન કચેરી સુધી લાંબુ થવું પડે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં એક નવો પરિપત્ર પ્રસિદ્વ કરવામાં આવશે. જેમાં વોર્ડના ડેપ્યૂટી ઇજનેર, સેનીટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસર અને એટીપીએ સવારે 11 થી 12 એમ એક કલાક ફરજીયાતપણે વોર્ડ ઓફિસે બેસવું પડશે અને લોકોની ફરીયાદ સાંભળી તેનો નિકાલ પણ ઝડપથી થાય તે દિશામાં કામગીરી કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દરેક વોર્ડ દીઠ ડેપ્યુટી એન્જીનીયર, વોર્ડ ઓફિસર અને એસઆઇ છે પરંતુ એક એટીપી પાસે એક કરતા વધુ વોર્ડ હોય આવા કિસ્સામાં તે કોઇ એક વોર્ડમાં જ હાજરી આપી શકશે અથવા વિકલ્પ સ્વરૂપે તે નિયત કરાયેલા વારે જે-તે વોર્ડમાં એક કલાક માટે હાજર રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.