Abtak Media Google News
  • આલોક કત્રાદે, ગુલ સક્સેના, નાનુ રામ ગુલ્જર, રાજેશ અય્યર અને માધુરી ડે જેવા ખ્યાતનામ કલાકારો અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાના સુપરહિટ ગીતો રજૂ કરશે: ઉમટી પડવા શહેરીજનોને કોર્પોરેશનના પદાધિકારીઓની હાંકલ

ગુજરાત રાજ્યના 63માં સ્થાપના દિન નિમિતે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સુરીલી શામ સંગીત સંધ્યાનો આયોજન કર્યું છે. જેમાં ખ્યાતનામ સિંગર આલોક કત્રાદે, ગુલ સક્સેના, નાનુ રામ ગુલ્જર, રાજેશ અય્યર અને માધુરી ડે જેવા ખ્યાતનામ કલાકારો અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાના સુપરહિટ ગીતો રજૂ કરશે. જેમાં શહેરીજનોને ઉમટી પડવા માટે કોર્પોરેશનના શાસકો દ્વારા અપિલ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઇ પીપળીયા અને મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે આજે રાત્રે 8:30 કલાકે રેસકોર્સ સ્થિત રમેશ પારેખ ઓપન એર થિયેટર ખાતે કોર્પોરેશન દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિતે સુરીલી શામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું દિપ પ્રાગટ્ય રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે ઉપસ્થિત રહેશે.

આ સુરિલી શામ સંગીત સંધ્યા કાર્યક્રમમાં શહેરીજનોને જુના હિન્દી ફિલ્મોના ગીતોથી ડોલાવવા માટે સિંગર સહીત કુલ 50 જેટલા મ્યુઝીશીયન/કલાકારની ટીમ હાજર રહેશે તેમજ  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કુલ 7 જેટલી એલ.ઈ.ડી. સ્ક્રીન, સીનીયર સીટીઝન માટે અલગ બેઠક વ્યવસ્થા, અત્યાધુનીક મ્યુઝીક સીસ્ટમ તેમજ શહેરીજનો માટે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

અત્યાર સુધી રાજકોટના શહેરીજનોએ જનતાએ આ ગાયક કલાકારોને ટી.વી. પર કે યુ-ટ્યુબમાં જ સાંભળ્યા છે, પરંતુ હવે તેઓને રાજકોટની જ ધરતી પર લાઈવ સાંભળવા-જોવાનો અલભ્ય મોકો મળી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ આ મ્યુઝીકલ કાર્યક્રમને લઈને જબરદસ્ત ઉત્સાહ અને તાલાવેલી અનુભવી રહ્યા છે. આ કલાકારોનો કાર્યક્રમ લાઈવ નિહાળવો અને સાંભળવો એ શહેરીજનો માટે એક યાદગાર સંભારણું બની રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.