Abtak Media Google News

કોર્પોરેશને આ વર્ષે વૃક્ષારોપણ માટે ટ્રી-ગાર્ડ ખરીદવાના બદલે ડાયરેકટર વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ આપવા માટેની નવી પહેલ શરૂ કરી છે. પર્યાવરણની રક્ષા માટેની મસમોટી વાતો કરતી સંસ્થાઓએ વૃક્ષારોપણ માટે રસ દાખવ્યો નથી. માત્ર એક જ સંસ્થાની ઓફર આવતા ફરી શોર્ટ નોટિસનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા આ વર્ષે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસાની સીઝનમાં વૃક્ષારોપણની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે ટ્રી ગાર્ડ ખરીદવાને બદલે વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી ઓફર મંગાવવામાં આવી હતી. જેમાં સંસ્થાને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ માટે ખાડો ખોદી દેવો, તેમાં ખાતર આપવું, 8 થી 10 ફૂટના છોડનું વાવેતર કરી અને ટ્રી ગાર્ડથી સુરક્ષીત કરવું, જ્યારે બીજા વિકલ્પમાં આ વૃક્ષનું વાવેતર કર્યા બાદ તેનું જતન કરવાની શરત મુકવામા આવી હતી.

દરમિયાન ટેન્ડરની મુદત ગત 17મી જુલાઈના રોજ પૂર્ણ થઈ જવા પામી છે. માત્ર સદ્ભાવના વૃક્ષાદ્ધમ દ્વારા જ ઓફર આપવામાં આવી હતી. કોર્પોરેશનના નિયમોનુસાર કોઈપણ કામમાં માત્ર સિંગલ ઓફર આવે તો રિ-ટેન્ડરીંગ કરવું ફરજિયાત હોય, વૃક્ષારોપણના કોન્ટ્રાકટ આપવા માટે 10 દિવસની મુદતનું શોર્ટ નોટિસ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેની મુદત આગામી 29મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન જો બીજા પ્રયત્નમાં માત્ર એક જ ઓફર આવશે તો પણ તે સંસ્થાને વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 15મી જુન આસપાસ ચોમાસાની સીઝન શરૂ જતી હોય છે અને જુલાઈમાં અનરાધાર વરસાદ પડી જતો હોય છે. આ વર્ષે જો આવું થયું તો વૃક્ષારોપણનો હેતુ પાર ન ઉતરે પરંતુ આ વખતે વરસાદ ખેંચાવાના કારણે સ્થિતિ અલગ છે. આવામાં વૃક્ષારોપણ માટે કોન્ટ્રાકટ આપવા માટે મોડો નિર્ણય પણ સચોટ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.