Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પાણી પ્રશ્ને શાસકપક્ષ ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે જબરી તું-તું મેં-મેં થવા પામી હતી. માત્ર ચાર નગરસેવકોનું જ સભ્ય સંખ્યા બળ હોવા છતાં મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવીશુ તે વાત આજે કોંગ્રેસે પ્રસ્થાપિત કરી દીધી હતી.કોરોના અને પાણી પ્રશ્ને કોંગ્રેસે શાસકો અને અધિકારીઓ પર જબરી તડાપીટ બોલાવી હતી. જોકે રાબેતા મુજબ માત્ર એક જ પ્રશ્નની ચર્ચામાં બોર્ડ બેઠક પૂર્ણ થઈ જવા પામી હતી.

મહાપાલિકામાં આજે વર્તમાન બોડીની પ્રથમ સામાન્ય સભા મળી હતી કે જેમાં પ્રશ્નો અંગે ચર્ચા થવાની હોય રાબેતા મુજબ પ્રથમ બોર્ડ થોડુંક હંગામાવાળું રહ્યું હતું. કોંગ્રેસના માત્ર ચાર કોર્પોરેટર હોવા છતાં તેઓએ પ્રજાના પ્રશ્ને શાસકો અને અધિકારીઓને રીતસર ભીડવ્યા હતા. વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા સહિત કોંગ્રેસના ચારેય કોર્પોરેટરોએ આજે બોર્ડમાં કોરોના સામે નિષ્ફળ ગયેલા શાસકો સામે અનોખો વિરોધ કર્યો હતો. કોંગી કોર્પોરેટરો  ‘મોદી સાહેબ રાજકોટના નેતાઓને પૂછો કે કોરોનામાં કયા હતા’ જેવા લખાણવાળું માસ્ક પહેરીને સભા ગૃહમાં આવ્યા હતાં. કોંગ્રેસના નગર સેવકોનો આ વિરોધ અમુક અંશે  સાચો હતો કારણ કે જ્યારે રાજકોટવાસીઓ કોરોના સામે લડી રહ્યા હતા ત્યારે નેતાઓ પોતાના ઘરમાં પુરાઈ ગયા હોય તેઓ ઘાટ જોવા મળ્યો હતો.

Dsc 0784
પ્રશ્નોતરીવાળા પ્રથમ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના 16 નગરસેવકોએ 33 પ્રશ્ન રજૂ કર્યા હતા પરંતુ મહાપાલિકામાં વણલખી પરંપરા મુજબ મુજબ એક જ પ્રશ્નની ચર્ચામાં બોર્ડ સમેટાઈ ગયું હતું. વોર્ડ નંબર 16ના ભાજપના નગરસેવિકા કંચનબેન સિધ્ધપુરાએ પાણીને લગતા પૂછેલા પ્રશ્નની ચર્ચામાં પ્રશ્નોત્તરી કાળનો એક કલાકનો સમય પસાર થઈ ગયો હતો. એક તબક્કે બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ પાણી પ્રશ્ને આમને સામને આવી ગયા હતા. દરમિયાન પાણીના પ્રશ્ને કોંગ્રેસ અને ભાજપના નગરસેવકો વચ્ચે જનરલ બોર્ડમાં ઉગ્ર ચર્ચા થવા પામી હતી. બંનેએ સામસામે એકબીજા પર આક્ષેપબાજી કરી હતી. પાણી વિતરણ વ્યવસ્થા અને ક્યાંથી કેટલું પાણી મળે છે તેના આંકડા આપવામાં જ પ્રશ્નોત્તરીકાળ વેડફાય ગયો હતો. કોરોના અંગે કોંગ્રેસના નગરસેવકોએ પ્રશ્ન ચોક્કસ પૂછયો હતો. પરંતુ તેની કોઇ જ પ્રકારની ચર્ચા બોર્ડમાં થવા પામી ન હતી.

ભાજપના 12 કોર્પોરેટરોના 22 પ્રશ્નો અને કોંગ્રેસના ચાર નગરસેવકોના 11 પ્રશ્નો સહિત કુલ 33 પ્રશ્ન પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા જનરલ બોર્ડમાં થઈ હતી. હાલ શહેરમાં કોરોના  સૌથી જટિલ અને ગંભીર છે છતાં આ બોર્ડમાં કોરોના વિશે કોઈ જ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી. મહાપાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ચાર જ બેઠક જીત્યો હોય વિરોધ પક્ષ નબળો રહેશે એવું માનવામાં આવતું હતું પરંતુ પ્રશ્નોત્તરી વાળા પ્રથમ બોર્ડમાં જ કોંગ્રેસે પાણી બતાવી દીધું છે અને આગામી પાંચ વર્ષ એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા અદા કરશે તે પ્રસ્થાપિત કરી દીધું છે. ભાજપના 68 સામે આજે કોંગ્રેસમાંથી એક માત્ર વશરામભાઈ સાગઠિયાએ સાચા લડવૈયાની ભૂમિકા ભજવી હતી. પાણી પ્રશ્ને અધિકારીઓ અને શાસકો પર તડાપીટ બોલાવી હતી. દરમિયાન જનરલ બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે મૂકવામાં આવેલી બે અરજન્ટ સહિતની તમામ દરખાસ્તો બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી. આજે બોર્ડ બેઠકમાં ભાજપના બે નગરસેવિકા ગેરહાજર રહ્યાં હતા.અનિતાબેન સમયે રજા રિપોર્ટ મૂક્યો હતો. ભારતીબેન પાડલીયા ગેરહાજર રહ્યા હતા. બોર્ડ કોરોના મુદ્દે તોફાની બનશે તેવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ કોંગ્રેસના નગરસેવકોએ કોરોના કોરોના સામે વિરોધ કરવા લખાણ વાળા માસ્ક પહેરવા સિવાય અન્ય કોઈ જ વિરોધ દર્શાવ્યો ના હતો.

બે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત અને ત્રણ શોક ઠરાવ પસાર કરાયા

કોર્પોરેશનમાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં બે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત અને ત્રણ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. પૂર્વ ડેપ્યુટી મેયર હરગોવિંદભાઈ વ્યાસ,પૂર્વ કોર્પોરેટર સતુભા જાડેજા અને કરસનભાઈ વાઘેલાના દુ:ખદ અવસાન બદલ સભા ગૃહે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી જુનિયર ડેટા એન્ટ્રી ઓપરેટર સંવર્ગના અગાઉ સુધારવામાં આવેલા પગાર ધોરણની અમલવારીની તારીખમાં ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી.જેને પણ બહાલી આપવામાં આવી હતી. જ્યારે બે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં વધતા જતા પ્રદુષણને ઘટાડવા સાયકલ શેરીંગ પ્રોજેક્ટનો વ્યાપ વધારવા સાયકલ પ્રમોશન પ્રોજેક્ટના નવા નિયમો તથા એ બાઈક પ્રમોશન પ્રોજેક્ટને મંજુર કરવા અને ખાનગી મિલકત પરના હોર્ડિંગ્સ બોર્ડ અંગેના નિયમો નક્કી કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. અરવિંદભાઈ મણિયાર લાયબ્રેરીમાં કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે નગરસેવીકા આશાબેન ઉપાધ્યાયને મોકલવાનો નિર્ણય લેવાયો છે.

ત્રણ બોર્ડ બાદ પણ કોંગ્રેસ વિપક્ષી નેતા નક્કી ન કરી શક્યું

Dsc 0768

મહાપાલિકામાં ગત 12મી માર્ચના રોજ વર્તમાન બોડી અસ્તિત્વમાં આવી છે. આજે ત્રીજું બોર્ડ મળ્યું હતું. છતાં કોંગ્રેસ હજી સુધી વિરોધપક્ષના નેતા નક્કી કરી શકી નથી જેના કારણે બે માસથી પણ વધુ સમય વીતી જવા છતાં હજી મહાપાલિકામાં વિરોધપક્ષના કાર્યાલયે તાળા લટકી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પ્રથમ બોર્ડ મળે ત્યારે જ વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કરી દેવામાં આવતું હોય છે. પરંતુ રાજકોટમાં કોંગ્રેસ વેર-વિખેર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ચાર નગર સેવકો ચૂંટાયા છે. જેમાં સૌથી સિનિયર વશરામ સાગઠિયા છે છતાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક રીતે હજી સુધી વિરોધપક્ષના નેતાના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. આજે મહાપાલિકામાં ત્રીજું બોર્ડ પણ વિપક્ષી નેતા વિહોણુ રહ્યું હતું. જ્યાં સુધી વિરોધપક્ષના નેતાનું નામ જાહેર નહીં થાય ત્યાં સુધી વિરોધ પક્ષનું કાર્યાલય પણ ખુલશે રહે નહીં અને કોંગ્રેસના ચાર કોર્પોરેટરોને મહાપાલિકામાં બેસવા ચોક્કસ સ્થાન મળશે નહીં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.