રાજકોટ : હમારી જેલમે સુરંગ ? અમુલ પાર્લરમાં અન્ય બ્રાન્ડની કેન્ડી

શહેરના પંચનાથ મંદિર સામે આવેલા ડી.કે.એન્ટરપ્રાઇઝ અમૂલ પાર્લરમાં અન્ય બ્રાન્ડની ચીજવસ્તુઓ વેચવામાં આવતી હોવાની ફરિયાદ મળતાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અન્ય બ્રાન્ડની ચીજ-વસ્તુઓનું વેંચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું. અમુલ કંપની દ્વારા એજન્સીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પાર્લરમાં રહેલો પુરવઠો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.દરમિયાન કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા આઈસક્રીમના બે નમૂનામાં દુધના ફેટ ઓછા મળી આવતા નમૂના નાપાસ જાહેર થયા છે.

અમુલ પાર્લરમાં ડીલાઈટ બ્રાન્ડ કેન્ડીનું વેચાણ: એજન્સી સસ્પેન્ડ

જાગૃત નાગરિક દ્રારા ગાંધીનગર સુધી ફરિયાદ કરાયા બાદ કંપનીની આકરી કાર્યવાહી

ફિનિક્સ સ્પેશિયલ થાબડી આઇસ્ક્રીમ અને નટ ચોકો લાઈવ આઈસ્ક્રિમમાં  મિલ્ક ફેટ ઓછા જણાતા નમૂનો ફેઈલ: દૂધના 39 ફેરિયાઓને કોરોનાની વેક્સિન લેવા કરાતી તાકીદ

આ અંગે આરોગ્ય શાખાના સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના પંચનાથ મંદિર સામે આવેલા ડી.કે.એન્ટરપ્રાઇઝ અમૂલ પાર્લરમાં અમૂલની સાથોસાથ અન્ય બ્રાન્ડની પણ ચીજ વસ્તુઓ વેચાતી હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવી હતી.જેમાં ફરિયાદીએ અમૂલ પાર્લરમાંથી ચોકોબાર કેન્ડી ખરીદતા અહીંથી લોકલ ડિલાઇટ બ્રાન્ડની ચોકોબાર આપવામાં આવી હતી. દરમિયાન ફુડ વિભાગ દ્વારા આજે તપાસ કરવામાં આવતાં ધવલ શશીકાંતભાઈ કારીયાની માલિકીની ડી.કે.એન્ટરપ્રાઇઝ જે અમૂલ પાર્લર હોવા છતાં અન્ય બ્રાન્ડની પણ ખાદ્યસામગ્રીનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાતા અહીં લોકલ ડિલાઇટ બ્રાન્ડની ચોકોબારનો નમૂનો લેવામાં આવ્યો હતો. અને હાઇજેનિક કંડિશન અંગે નોટિસ ફટકારવામાં આવી છે.

કંપનીના કરાર મુજબ અમૂલ પાર્લરમાં કંપની દ્વારા નિયત કરાયેલી ખાદ્યસામગ્રી વેચવાની જ મંજૂરી મળતી હોય છે.તપાસ અહેવાલના પગલે ગુજરાત મિલ્ક ફેડરેશન  દ્રારા તાત્કાલિક અસરથી ડી.  કે.એન્ટરપ્રાઇઝ અમૂલ પાર્લરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.અને પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે.

દરમિયાન આજે ફૂડ વિભાગ દ્વારા લાતી પ્લોટમાં નેક્સસ ટ્રેડિંગ માંથી રામ ગોલ્ડ તુવેર દાળ તથા ઇલેવન મોંગ મોગર, પેડક રોડ પર મોવિયા માવા કેન્ડી એન્ડ આઈસ્ક્રીમ માંથી રાધે આઈસક્રીમ તથા મારુતિ નગરમાં ખોડીયાર પ્રોવિઝન સ્ટોર્સમાંથી મગછડી દાળનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા મોરબી રોડ પર ન્યૂ જલારામ મેઇન રોડ પર ફિનિક્સ એજન્સીમાંથી ફિનિક્સ આઈસક્રીમ સ્પેશિયલ થાબડીનો નમૂનો અને બિગ બજાર પાસે સહજાનંદ ફૂડઝ માથી નટ ચોકો લાઈવ આઇસ્ક્રિમનો નમુનો લઈ પરીક્ષણમાં મોકલવામાં આવ્યો હતો.

જેમાં મિલ્ક ફેટ ઓછા જણાતા બંને નમૂના પરીક્ષણમાં નાપાસ થયા હોવાનું જાહેર કરાયાં છે. આજે આરોગ્ય શાખા દ્વારા શહેરમાં દૂધનું વેચાણ કરતા 39  ફેરીયાંઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં કોરોનાની વેક્સિન ન લેનાર ફેરિયાઓને તાત્કાલિક લેવા માટે તાકીદ કરાઈ છે.