Abtak Media Google News

રાજકોટ શહેરની 110 ટન ઓકિસજનની જરૂરીયાત પૂર્ણ થવાના એંધાણ: બપોર સુધીમાં 50 ટનથી 

વધુ ઓકિસજનનો જથ્થો મળી ગયો: ઓકિસજનનો પ્રશ્ર્ન હલ કરવા 30થી વધુ અધિકારીઓ કામે લાગ્યા 

છેલ્લા બે દિવસથી ઓકિસજનની અછતે ભારે અંધાધુંધી સર્જયા બાદ અંતે રાજકોટને પુરતો જથ્થો મળે તેવા અણસાર મળી રહ્યા છે. રાજકોટ શહેરની કુલ 110 ટન ઓકિસજનની જરૂરીયાત સાંજ સુધીમાં પૂર્ણ થાય તેવા સંકેતો જણાઈ રહ્યા છે. આજે બપોર સુધીમાં 50 ટનથી વધુ ઓકિસજનનો જથ્થો રાજકોટ આવી પહોંચ્યો છે. આ માટે 30થી વધુ અધિકારીઓની ટીમ કામે લાગી હતી જેને સફળતા મળી છે.

Remiya Mohan01

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શહેર અને જિલ્લામાં ઓકિસજનની ઘટને ધ્યાને લઈને ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી ઓકિસજનની તંગીથી ભારે અંધાધુંધી સર્જાઈ હતી. ઓકિસજનની જરૂરીયાત ધરાવતા દર્દીઓના સગા-વ્હાલાઓએ બે દિવસ ખુબ જ રઝળપાટ પણ કરી હતી. ઘણાને ઓકિસજનનો જથ્થો મળ્યો હતો તો ઘણાને નિરાશ થઈને પરત ફરવું પડયું હતું. ઓકિસજનની તંગીથી અનેક દર્દીઓની તબિયત લથડી હતી તો અનેકની જીંદગી પણ ગઈ હતી. આવી સ્થિતિ વચ્ચે 30થી વધુ અધિકારીઓની ટીમ કામે લાગે હતી.

અંતે ઓકિસજનની તંગીનો પ્રશ્ર્ન દુર થતો જણાઈ રહ્યો છે. રાજકોટમાં સવારે 17 ટન જેટલો ઓકિસજનનો જથ્થો આવી ગયો હતો. આ ઉપરાંત બપોર સુધીમાં 50 ટન જેટલો જથ્થો આવી પહોંચ્યો હતો ત્યારબાદ સાંજ સુધીમાં 110 ટનની જરૂરીયાત પૂર્ણ થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ અનેક ખાનગી હોસ્પિટલોએ પણ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે તેઓની હોસ્પિટલમાં ઓકિસજનની તંગી હોય ત્યાં દાખલ દર્દીઓ ઉપર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે. ઉપરાંત ઓકિસજનની તંગી વચ્ચે કુંદન હોસ્પિટલની દુર્ઘટના પણ સર્જાઈ હતી. આ ઉપરાંત ગોંડલમાં પણ ખાનગી હોસ્પિટલમાં ઓકિસજનની તંગીથી દર્દીઓના જીવ જતા સહેજમાં બચી ગયા હતા.  હાલ હોસ્પિટલો તેમજ હોમ આઈસોલેટ દર્દીઓને ઓકિસજનનો જથ્થો પુરતા પ્રમાણમાં મળે તે માટે ડે.કલેકટર જે.કે.જેગોડા, એડી.કલેકટર જે.કે.પટેલ, 6 જેટલા મામલતદારો, નાયબ મામલતદારો, સિવિલ સ્ટાફ સહિતના લોકો રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે.

હોમ આઈસોલેટ દર્દીઓને ઓકિસજન વિતરણ માટે શાપરમાં વ્યવસ્થા ગોઠવાઈ

હોસ્પિટલોને તો તંત્ર દ્વારા જરૂરીયાત મુજબનો ઓકિસજનનો જથ્થો ફાળવી દેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હોસ્પિટલમાં બેડ ન હોય સેંકડો દર્દીઓ હોમ આઈસોલેટ થયેલા છે. આ દર્દીઓને ઓકિસજન અને રેમડેસિવિરને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવના જોખમ વચ્ચે આ દર્દીઓ હાલ ઝઝુમી રહ્યા હોય તેઓ માટે પણ જિલ્લા કલેકટર દ્વારા ઓકિસજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોમ આઈસોલેશન હેઠળ રહેલા દર્દીઓને શાપર-વેરાવળ ખાતે કેપ્ટન ગેટ પાસે આવેલ જયદિપ ઓકિસજન એજન્સી ખાતેથી ઓકિસજનના સિલિન્ડર મેળવવાના રહેશે તેમ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.