Abtak Media Google News

આજી-૧ ડેમમાં નર્મદા નીરની આવકથી જળ સપાટી ૨૪.૭૦ ફૂટે પહોંચી

ગુજરાત સરકાર “સૌની યોજના” હેઠળ રાજકોટના આજી-૧ ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવતા અત્યારે ડેમની જળ સપાટી ૨૪.૭૫ ફૂટે પહોંચી ચુકી છે. આ સંજોગમાં રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં નાગરિકોને વિનાઅવરોધ પીવાનું પાણી મળતું રહેશે અને શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સતત મજબુત બની રહેશે, આ બાબતમાં લોકો નિશ્ચિંત રહે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તા.૩-૧-૨૦૧૯ ના રોજ નર્મદાના નીર છોડવાનું શરૂ કરાયા બાદ તા. ૫-૧-૨૦૧૯ ના રોજ નર્મદા નીરનું આજી-૧ જળાશયમાં આગમન થયું હતું. એ સમયે આજી-૧ ડેમની જળ સપાટી ૧૬.૧૪ ફૂટ હતી અને ડેમમાં કુલ જળ જથ્થો ૨૭૮ એમ.સી.એફ.ટી. હતો. નર્મદા નીરની આવક શરૂ થયા પછી તા. ૧૨-૨-૨૦૧૯ સુધી ડેમમાં નીર ઠલવાયા હતાં. આ સાથે જ ડેમની પાણીની સપાટી ૨૪.૭૦ ફૂટે પહોંચી હતી અને ડેમમાં કુલ જળ જથ્થો ૬૬૩.૫૦ એમ.સી.એફ.ટી. થયો છે. આમ આજી-૧ ડેમમાં નવું ૩૮૫ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી ઉમેરાયું છે.

કમિશનરએ શહેરના નાગરિકોને નિશ્ચિંત કરતા એમ કહ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા શહેરને આવશ્યકતા મુજબ જરૂરી જળ જથ્થો મળતો જ રહે છે અને શહેરીજનોએ પીવાના પાણી બાબતે કશી જ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નર્મદાના નીરથી રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થા પણ સતત મજબુત બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.