Abtak Media Google News

જમીન માફીયાઓ માટે જાણે રાજકોટ સ્વર્ગ હોય તેવું લાગી રહ્યું છે. ખાનગી જમીનમાં મસલ્સ પાવરના જોરે આડેધડ દબાણ ખડકી દેતા જમીન માફીયાઓ હવે સરકારી જમીનને પણ સબ ભૂમિ ગોપાલ કી સમજવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર શિતલપાર્ક મેઈન રોડ પર અનામીકા સોસાયટીમાં કોર્પોરેશનના કોમર્શિયલ હેતુના અનામત એવા આશરે 7 કરોડ રૂપિયાના પ્લોટ પર સંજય ચાવડા નામના શખ્સ દ્વારા રેસ્ટોરન્ટનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આજે સવારે ટીપી શાખા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરી ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.2માં શિતલપાર્ક મેઈન રોડ પર અનામીકા સોસાયટીના ખુણે રાજકોટની ટીપી સ્કીમ નં.9ના અંતિમ ખંડ નં.સી/4 તથા 24 મીટર ટીપીના રોડ પર સંજય ચાવડા નામના શખ્સ દ્વારા રેસ્ટોરન્ટ ઉભુ કરવાના બદઈરાદા સાથે છાપરા, ચાનો થડા સહિતનું દબાણ ખડકી દેવામાં આવ્યું હતું. ટીપીની ટીમ સર્વે માટે રાઉન્ડમાં નિકળી હતી. ત્યારે તેના ધ્યાને આ ગેરકાયદે ખડકાતુ દબાણ આવતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશના પગલે ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન હેઠળની ટીપી શાખા દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેશનના અનામત પ્લોટ પર 1200 ચો.મી. જમીન પર કડકાયેલા દબાણને જમીન દોસ્ત કરી રૂા.7 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

કોમર્શિયલ હેતુના પ્લોટનું હવે તત્કાલ વેંચાણ કરવાનો તખ્તો તૈયાર

વોર્ડ નં.2માં શિતલપાર્ક મેઈન રોડ પર કોર્પોરેશનના કોમર્શિયલ હેતુના કરોડો રૂપિયાના પ્લોટ પર ગેરકાયદે રેસ્ટોરન્ટ ખડકી દેવાનો ખેલ આજે ચોપટ કરી દેવામાં આવ્યો હતો. ભવિષ્યમાં ફરી સોનાની લગડી જેવા આ પ્લોટમાં દબાણ ન ખડકાય તે માટે હવે તાત્કાલીક ધોરણે આ પ્લોટનું વેંચાણ કરી દેવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પદાધિકારીઓએ ટાઉન પ્લાનીંગ શાખાને સુચના પણ આપી છે.

3 દિવસની રજાનો લાભ લઈ ગેરકાયદે રેસ્ટોરન્ટ ઉભુ કરવાનો ખેલ ચોપટ

આગામી શનિ, રવિ અને સોમવારે જાહેર રજા હોવાના કારણે આ ત્રણ દિવસની રજાનો લાભ લઈ સંજય ચાવડા નામનો શખ્સ શિતલપાર્ક મેઈન રોડ પર અનામીકા સોસાયટીના ખુણે કોર્પોરેશનના કરોડો રૂપિયાના કોમર્શિયલ હેતુના પ્લોટ પર ગેરકાયદે રેસ્ટોરન્ટ ઉભુ કરી દેવા માંગતો હતો. જે ખેલ ટાઉન પ્લાનીંગ શાખાની સતર્કતાના કારણે નિષ્ફળ બન્યો છે. જો કે, એક જવાબ માંગી લેતો સવાલ એ પણ છે કે, કોર્પોરેશનના પ્લોટ પર બાંધકામ માટે માલ-મટીરીયલ ઠલવાયઅને મજૂરો રાત દિવસ કામ કરતા હોય ત્યાં સુધી તંત્રને ખબર ન પડે અને પરિયાદ મળ્યા બાદ જ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે તે માનવામાં આવે તેવી વાત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.