રાજકોટ દબાણ હટાવ શાખાનું “નાટક” યથાવત: રાજમાર્ગો પરથી રેંકડીઓ પકડી..!!

અલગ અલગ 54 પરચુરણ માલ સામાન કબજે કરાયો: દેખાડવા પુરતી કામગીરી

શહેરના 48 રાજમાર્ગોને સંપૂર્ણપણે દબાણ મુક્ત રાખવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે 2 મહિના પહેલા આદેશ આપ્યો હોવા છતાં જાણે દબાણ હટાવ શાખા કોઈના દબાણને વશ થવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે. માત્રને માત્ર દેખાડવા પુરતી કામગીરી કરવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહમાં દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ અલગ રાજમાર્ગો પરથી માત્ર 48 રેંકડી-કેબીનો જપ્ત કરવામાં આવી છે. જેટલા રાજમાર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માર્ગ દીઠ એકપણ રેંકડી કબજે કરવામાં આવી નથી. આ કામગીરી પરથી જાણે એવું લાગી રહ્યું છે કે, રાજકોટના રાજમાર્ગો સંપૂર્ણપણે દબાણ મુક્ત થઈ ગયા હોય.

આજે દબાણ હટાવ શાખાની કામગીરીનો સાપ્તાહિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી રોડ, ધરાર માર્કેટ, અમરજીતનગર, છોટુનગર, પોસ્ટ ઓફિસ રોડ, જામનગર રોડ, જંકશન રોડ, રૈયા રોડ, શ્યામ હોલ, હનુમાન મઢી, રેલવે જંકશન રોડ, ચંદ્રેશનગર હોકર્સ ઝોન, બાપાસીતારામ ચોક, મવડી, નાના મવા રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તિરૂપતિ યુનિવર્સિટી રોડ, અયોધ્યા ચોક, લક્ષ્મીનગર હોકર્સ ઝોન સહિતની વિસ્તારમાંથી 48 રેંકડી-કેબીન જપ્ત કરાયા છે. જ્યારે અલગ અલગ રાજમાર્ગો પરથી 54 પરચુરણ માલ સામાનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

હોકર્સ ઝોનની બહારથી 842 કિલો શાકભાજી, ફળ અને ફૂલનો જથ્થો કબજે કરાયો છે. મંડપ ચાર્જ પેટે રૂા.1.34 લાખ વસુલ કરવામાં આવ્યા છે અને રૂા.17500નો વહીવટી ચાર્જ વસુલ કરાયો છે. દબાણ હટાવ શાખા દ્વારા માત્રને માત્ર દેખાવ પુરતી જ કામગીરી કરવામાં આવે છે. વાસ્તવમાં શહેરના તમામ રાજમાર્ગો પર દબાણનો ભરડો કાયમી ધોરણે યથાવત જ હોય છે.