Abtak Media Google News

એસ્ટ્રોનના નાલાની બાજુમાં બીજો રસ્તો બનાવવા માટેના આયોજન અંગે પણ રેલવે વિભાગ પાસે મંજૂરી માંગતું કોર્પોરેશન 

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના જામનગર રોડ પર હયાત સાંઢીયા પુલની જગ્યા ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે બ્રિજની ડિઝાઇન તૈયાર કરી રેલવે વિભાગ સમક્ષ મંજૂરી અર્થે વિધાનસભાની ચૂંટણી પહેલા જ મૂકી દેવામાં આવી છે. હવે ચાર મહિનાના લાંબા અંતરાલ બાદ રેલવે વિભાગે સાંઢીયા પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવા માટેનું સૂચન કોર્પોરેશનને કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે શુક્રવારે રેલ્વે વિભાગ સાથેના જુદા-જુદા પ્રશ્ર્નો અંગે મિટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, ડે.કમિશ્નર આશિષ કુમાર, રેલ્વેના સિનીયર ડિવિઝનલ એન્જીનીયર ઇન્દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા,બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનીયર એચ.એમ.કોટક, એચ.યુ.દોઢિયા તેમજ રેલ્વે વિભાગના અન્ય સબંધક સ્ટાફ હાજર રહ્યા હતાં.

જામનગર રોડ પર સાંઢિયા પુલ આશરે 1978માં બનેલ છે. આ પુલ ઘણા વર્ષ જુનો છે. જેથી આ પુલ નવો બનાવવા માટે 16.40 મીટરનો ફોરલેન કરવા  માટે જરૂરી ડીઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. ફોરલેન બનાવવા માટે રેલ્વે વિભાગ હેઠળ આવતા રેલ્વે સ્પાન અંગે રેલ્વેના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જરૂરી ચર્ચા બાદ ડ્રોઈંગમાં જરૂરી સુધારા વધારા કરવાના થતા હતા. જે સુધારા વધારા કરી રેલ્વે વિભાગને ડ્રોઈંગ આપવાનું તેમજ રેલ્વે વિભાગ દ્વારા પણ વહેલાસર વિભાગની મંજુરી મેળવવા સાંસદએ તથા પદાધિકારીઓએ રેલ્વે વિભાગના અધિકારીને અનુરોધ કર્યો હતો. આ  ઉપરાંત શહેરની ટ્રાફિકની સરળતા માટે હૈયાત એસ્ટ્રોન નાલાની બાજુમાં દસ્તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.