Abtak Media Google News

બરસો રે… મેઘા.. મેઘા…

2020માં 25 ઓગષ્ટ સુધીમાં શહેરમાં 925 મીમી અર્થાત 37 ઈંચ વરસાદ વરસી ગયો હતો, આ વર્ષે માત્ર 23 ઈંચ જ વરસાદ: જળાશયો ખાલીખમ

અબતક, રાજકોટ

ગુજરાતમાં એક બહુ પ્રચલીત કહેવત છે કે, આભ અને ગાભના કોઈ ભરોષા નહીં તેના વિશે ક્યારેય કોઈ નિશ્ર્ચિત આગાહી કરી શકાતી નથી. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આ કહેવત યથાર્થ સાબીત થઈ રહી છે. નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા ભારતીય હવામાન વિભાગ દ્વારા હૈયે ટાઢક આપતી આગાહી આપવામાં આવી હતી અને એવું જાહેર કરાયું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદ પડશે. જો કે વરૂણ દેવની ઈચ્છા જ કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે. ઓગષ્ટ માસ પૂર્ણ પર છે છતાં રાજ્યભરમાં વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. માત્ર 40 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. જળાશયો તળીયા ઝાટક થઈ ગયા છે. રાજકોટની વાત કરવામાં આવે તો આજની તારીખે ગત વર્ષની સરખામણીએ શહેરમાં 14 ઈંચ વરસાદની ઘટ પડી છે. વર્ષ 2017 અને 2019માં 25 ઓગષ્ટ એટલે કે, આજના દિવસે આજી અને ન્યારી ડેમ ઓવરફલો થઈ ગયા હતા જેની સામે વર્તમાન સમયમાં આ બન્ને ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવા પડે તેવી સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે.

ચોમાસાની સીઝનમાં ધોરી ગણાતા અષાઢ માસમાં માત્ર બે જ વાર શહેરમાં સંતોષકારક કહી શકાય તેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી. પરિણામ સ્વરૂપ ભરચોમાસે ડેમમાં નર્મદા મૈયાનું અવતરણ કરાવું પડે તેવી સ્થિતિ આવી ઉભી રહી છે. છેલ્લા છ વર્ષમાં આજની તારીખ એટલે કે, 25 ઓગષ્ટ સુધીમાં રાજકોટમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરવામાં આવે તો 2016માં 25 ઓગષ્ટ સુધીમાં શહરેમાં 428 મીમી વરસાદ વરસી ગયો હતો. જ્યારે 2017માં રેકોર્ડબ્રેક 1164 મીમી વરસાદ પડી જવાના કારણે આજી અને ન્યારી ડેમ ઓવરફલો થઈ ગયા હતા. જો કે, 2018માં મેઘરાજાએ થોડી કંજુસાઈ રાખતા માત્ર 535 મીમી જ વરસાદ પડ્યો હતો. જ્યારે 2019માં ફરી મેઘો મન મુકીને મંડાતા 25 ઓગષ્ટ સુધીમાં શહેરમાં 960 મીમી વરસાદ વરસી જતાં ન્યારી ડેમ ઓવરફલો થઈ ગયો હતો અને આજીનો વૈભવ પણ ચરમસીમા પર હતો. ગત વર્ષે આજની તારીખે શહેરમાં 925 મીમી એટલે કે, 37 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેની સામે આ વર્ષે દુષ્કાળના સંભવિત ડાકલાઓ વાગી રહ્યાં છે અને માત્ર 575 મીમી જ વરસાદ પડવાના કારણે શહેરની જળ જરૂરીયાત સંતોષતા એક પણ મુખ્ય જળાશયમાં સંતોષકારક આવક થવા પામી નથી. માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની તિવ્ર ખેંચ વર્તાઈ રહી છે. હવે તો લોકો બેહાથ જોડી વરૂણદેવને વહાલ વરસાવવા રીતસર વિનવી રહ્યાં છે. જો આગામી દિવસોમાં અનરાધાર વરસાદ નહીં પડે તો આવતું વર્ષ કાઢવું અઘરૂ બની જશે.

2017 અને 2019માં આજના દિવસે આજી-ન્યારી છલકાયા હતા

કહેવાય છે કે, સમય ખુબજ બળવાન છે. આજે રાજકોટવાસીઓ વરસાદની તિવ્ર ખેંચ અનુભવી રહ્યાં છે. જો પાછોતરો સારો વરસાદ નહીં વરસે તો આખુ વર્ષ કેમ કાઢવું તેની ચિંતા કોરીખાય છે. આવા ચિંતાજનક માહોલ વચ્ચે એ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 અને 2019ના આજના દિવસે એટલે કે 25 ઓગષ્ટના રોજ આજી અને ન્યારી ડેમ છલકાઈ ગયા હોવાનું પણ ઈતિહાસ બોલી રહ્યો છે. 2017માં 25 ઓગષ્ટ સુધીમાં શહેરમાં 1164 મીમી વરસાદ વરસી ગયો હતો. અને આજના દિવસે આજી તથા ન્યારી ઓવરફલો થઈ ગયા હતા. વિશાળ જળ રાશી નિહાળવા માટે રાજકોટવાસીઓ હોંશભેર ડેમ સાઈટે પહોંચી ગયા હતા. વર્ષ 2019માં પણ આવો જ હરખ આપતો માહોલ રચાયો હતો. શહેરમાં 25 ઓગષ્ટ સુધીમાં 960 મીમી વરસાદ વરસી જતાં ન્યારી ડેમ ઓવરફલો થયો હતો જ્યારે આજી પણ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયો હતો અને જળવૈભવ ચરમસીમા પર હતો. આજે સ્થિતિ કંઈક અલગ જ છે. સામાન્ય રીતે આજનો દિવસ વરસાદની દ્રષ્ટિએ રાજકોટવાસીઓ માટે યાદગાર રહ્યો છે. પરંતુ સમય આગળ કાળા માથાના માનવીનું કશું ચાલતું નથી. એક સમયે આજની તારીખે રાજકોટવાસીઓએ મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યાં હતા તે આજે મેઘાને મહેર કરવા રીતસર આજીજી કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.