રાજકોટ: બેડી યાર્ડમાં રેકોર્ડ બ્રેક 3 લાખ મણ ઘઉંની આવક, વાહનોનો ખડકલો, જુઓ અવકાશી તસવીરી નજારો

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક 3 લાખ મણ ઘઉંની આવક થવા પામી છે. આજે બેડી યાર્ડમાં ચાલુ વર્ષની ઘઉંની સૌથી વધુ આવક થવા પામી છે. પ્રતિમણ ઘઉંનાં ભાવ રૂ.350 થી 450 સુધીનાં ઉપજી રહ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ આજે રાજકોટ નવા યાર્ડમાં સીઝનની સૌ પ્રથમ ઘઉંની રેકોર્ડ બ્રેક આવક થઈ રહી છે. આજે 3,00,000 મણ ઘઉંની આવક થતા બેડી યાર્ડ ઘઉંથી છલકાયું છે. ઘઉંના વેચાણ અર્થે જણસી ભરેલા વાહનોની યાર્ડ બહાર લાંબી લાઈનો લાગી હતી. હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઘઉં ઉપરાંત જીરૂ, ધાણા, સુકા, મરચા, ચણા વગેરેની પુષ્કળ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંની સાથે સાથે આજે ચણાની પણ વિપુલ માત્રામાં આવક થવા પામી છે. ચણાના પ્રતિમણ રૂ. 850 થી 950 સુધીના ભાવો મળી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે. અને એકાદ બે દિવસમાં ઘઉંની ખરીદી પણ શરૂ થનાર છે. હાલ ખેડૂતોને ઘઉંના ઓપન માર્કેટમાં પ્રતિમણ રૂ.350 થી 450 મળી રહ્યા છે. જયારે સરકાર દ્વારા ટેકાનો ભાવ પ્રતિ કિવન્ટલ રૂ. 1975 નકકી કરાયો છે.ઘઉંમાં ઓપન માર્કેટ કરતા ટેકાનો ભાવ ઉંચો હોય છતા પુષ્કળ ઘઉં બજારમાં ઠલવાય રહ્યા છે. જેનું મુખ્ય કારણ એ છેકે ખેડૂતોને ખૂલ્લા બજારમા રોકડા રૂપિયા મળી રહે છે. અને કોઈ જટીલ પ્રક્રિયા કરવી પડતી નથી જયારે ટેકાના ભાવમાં ખેડુતોને ઓનલાઈન પ્રોસેસ માથાનો દુ:ખાવો બની રહે છે.ચાલુ વર્ષે ચણાનું પણ બમ્પર ઉત્પાદન થયું છે. અને સરકારે પણ સારા એવા ટેકાના ભાવ જાહેર કર્યા છે. તેમ છતાં ઓપન બજારમાં ચણાનું મબલખ વેચાણ થઈ રહ્યું છે.

યાર્ડ ખુલતાની સાથે જ શિયાળુ પાકોની ધૂમ આવક થશે: અતુલ કમાણી

સૌરાષ્ટ્ર એપીએમસી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હાલ રાજકોટ યાર્ડમાં ઘઉં, ચણા, જીરૂ, ધાણા વગેરેની પુષ્કળ આવક થઈ રહી છે. ત્યારે આજરોજ રાજકોટ બેડી યાર્ડમાં ઘઉંની સીઝનની રેકોર્ડ બ્રેક 300000થી 350000 મણની આવક થવા પામી છે. હાલ ખેડુતોને ઘઉંનાં પ્રમાણમાં સારા ભાવો ઉપજી રહ્યા છે. પ્રતિમણ રૂ.350 થી 450 સુધીના ભાવો ખેડુતોને મળી રહ્યા છે. સારી કવોલીટીના ઘઉંના પૂરતા ભાવો મળી રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. વધુમા જણાવ્યું હતુકે આગામી હિસાબી કામકાજો સબબ રાજકોટ બેડી યાર્ડ આગામી તા.23 માર્ચથી 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ રહેશે. માર્ચ એન્ડિંગ હોવાથી પણ જણસીની આવક વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. 1લી એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થવાનું હોય ત્યારે એપ્રિલની શરૂઆતમાં શિયાળુ પાકોની પુષ્કળ આવક થવાની શકયતા છે. કારણ કે ચાલુ વર્ષે શિયાળુ પાકોનું બમ્પર ઉત્પાદન થયું છે.

23મીથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રજા

રાજકોટ માર્કેટીંગ યાર્ડ આગામી 23મી માર્ચથી માર્ચ એન્ડિંગ વેકેશન પાળશે. માર્ચનાં અંતમાં હિસાબી કામકાજો સબબ સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં રજા પાળવામાં આવે છે. જે મુજબ રાજકોટ બેડી યાર્ડ પણ તા.23 માર્ચથી 31 માર્ચ સુધી સદંતર બંધ રહેશે અને 1લી એપ્રિલથી રાબેતા મુજબ શરૂ થશે. 1લી એપ્રિલથી યાર્ડ ખુલતાની સાથે જ શિયાળુ પાકોની મબલખ આવક થવા પામશે. રજા દરમ્યાન જણસીની આવક તેમજ હરરાજીની પ્રક્રિયા સદંતર બંધ રહેશે તેમ સેક્રેટરી બી.આર. તેજાણી દ્વારા જણાવાયું છે જોકે શાકભાજી યાર્ડ રાબેતા મુજબ જ ચાલુ રહેશે.