Abtak Media Google News

દિવાળીના સપરમાં તહેવાર ટાણે જ લોહાણા પરિવારમાં સર્જાઈ કરુણાંતીકા

નાનીનો મૃતદેહ મળ્યો: પિતા-પુત્રીની શોધખોળ: ડૂબતી પુત્રીને બચાવવા જતા જમાઈ અને સાસુ પણ ઊંડા પાણીમાં ગરક

રાજકોટના લોહાણા પરિવારને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો સંપર્ક કરતા ઉત્તરાંચલના અધિકારીઓ મદદે દોડી ગયા

દિવાળી સપરમાં તહેવાર ટાણે જ રાજકોટના લોહાણા પરિવારમાં કરૂણાંતીકા સર્જાઈ છે. જેમાં ઋષિકેશ ગંગા નદીમાં ન્હાવા જતા ડૂબેલી યુવતીને બચાવવા જતા તેના પિતા અને સાસુ ત્રણેય ધસમસતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં સાંજ સુધીમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પિતા-પુત્રીની શોધખોળ હાથધરવામાં આવી છે. રાજકોટના લોહાણા પરિવારને દુર્ઘટના વિશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો સંપર્ક કરતા તેઓએ ઉત્તરાંચલના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જામનગર રોડ પર આવેલા પ્રેસ કોલોનીના રહેતા અને સ્પીપાના કર્મચારી દિલીપભાઈ કારીયાનો પરિવાર દિવાળી ટાણે ઋષિકેશ રજા માણવા ગયા હતા.
દિલીપભાઇ કારિયા પુત્રી – જમાઈ પૌત્રી અને પત્ની સાથે ઋષિકેશ ખાતે ફરવા ગયા હતા. જ્યાં ઋષિકેશ અને નિલકંઠના વચ્ચે ગંગા કિનારે તેમની પૌત્રી સોનલ અનિલભાઈ ગોસ્વામી ધસમસતા પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા માટે તેના પિતા અનિલભાઈ ગોસ્વામી અને નાની તરુલતાબેન કારીયા પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

આંખના પલકારે જ દિલીપભાઈ કારીયાની નજર સામે જ એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યો પાણીમાં ડૂબી જતાં ગંગા કિનારો મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જેમાં મહાજાહેમત બાદ તરુલતાબેન કારીયાનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. જ્યારે મોડી રાત સુધી પિતા અનિલભાઈ ગોસ્વામી અને પુત્રી સોનલ ગોસ્વામીની શોધખોળ ચાલી હતી પરંતુ બેયમાંથી કોઈનો પતો હાથ લાગ્યો ન હતો.

લોહાણા પરિવાર સાથે સર્જાયેલી દુઃખદ ઘટના બાદ તેઓએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો સંપર્ક કર્યો હતો. જેથી રાજકોટના પરિવારની મદદ અર્થે કમલેશ મીરાણીએ ઉત્તરાંચલ અધિકારીઓનો સંપર્ક કરી સતત તેની સાથે વાત કરી હતી. આ સાથે લોહાણા પરિવાર સાથે થયેલી કરૂણાંતીકા અંગે કમલેશ મીરાણીએ પણ દુઃખ વ્યક્ત કરી સહાનુભૂતિ દર્શાવી હતી.

યુવતી ગીત પર વીડિયો બનાવવા જતા પાણીમાં ડૂબી: તેને બચાવવા સાસુ-જમાઈ પણ પાણીમાં પડ્યા

રાજકોટથી ઋષિકેશ ગયેલા રાજકોટના લોહાણા પરિવારની પૌત્રી સોનલ ગોસ્વામી ઋષિકેશ અને નિલકંઠ વચ્ચે ગંગા કિનારે “શેરશાહ” ફિલના ગીત રાતા લંબિયા… પર વીડિયો શૂટ કર્યા બાદ તેણી પાણીમાં ડૂબવા લાગી હતી. આ ટાણે ત્યાં ઉભેલા તેના પિતા અનિલભાઈ ગોસ્વામી અને સોનલના નાની તરુલતાબેન કારીયા પણ પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ અંતે તરુલતાબેન કારીયાનો મૃતદેહ જ હાથ લાગતા અને હજુ સુધી પિતા-પુત્રીની કોઈ ભાળ ન મળતા પરિવારમાં આક્રંદ છવાઈ રહ્યો છે.

રાજકોટના પરિવારને ઋષિકેશ જવા માટે પહેલા રજા નામંજૂર થઈ હતી

સ્પીપાના કર્મચારી દિલીપભાઈ કારીયા પરિવાર સાથે ઋષિકેશ જવા માટે રજા રિપોર્ટ મુક્યો ત્યારે ઉપરી અધિકારીઓએ સૌપ્રથમ તેઓની રજા નામંજૂર કરી હતી. જે અંગે સ્પીપાના ડે. ડાયરેકટર શૈલેષ સખપરીયાએ જણાવ્યું હતું કે દિલીપભાઈએ પહેલીવાર પરિવાર સાથે ઋષિકેશ ફરવા જતા હોવાનું કહેતા આખરે તેમની રજા મંજૂર કરવામાં આવી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલીપભાઈના પ્રથમ પત્નીનું અવસાન થતાં બાવાજી પરિવારના તરુલતાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. જેથી દિલીપભાઈ તથા તરુલતાબેન અને તેમના આગલા ઘરના પુત્રી, જમાઈ સહિતના પરિવારજનો ઋષિકેશ રજા માણવા ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.