રાજકોટ સલામત: 87 ટકા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો

11.42 લાખના લક્ષ્યાંક સામે 11.24 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લેતા 98.50 ટકા કામગીરી

કોરોના સામેનું એકમાત્ર અમોધ શસ્ત્ર વેક્સિનેશન છે. ગત 16મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા દસ માસમાં શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 98.50 ટકાએ પહોંચી જવા પામી છે. જ્યારે 87 ટકા લોકો વેક્સિનના બંને ડોઝ લઈ સંપૂર્ણપણે સુરક્ષીત થઈ ગયા છે.

આ અંગે કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં 11,42,093 લોકોને કોરોનાની વેક્સિન આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેની સામે 11,24,543 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લેતા ટકાવારીની દ્રષ્ટિએ 98.46 ટકા લોકોએ અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે જે વ્યક્તિ પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝ લેવા માટેની અવધી પૂર્ણ થઈ ગઈ હોય તેવી લાયકાત ધરાવે છે તેવા 7,20,842 લોકોની સામે 6,24,696 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લેતા આ સંખ્યા 86.66 ટકા થવા પામે છે.

શહેરમાં કુલ 16,79,639 વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે. 90,195 લોકો એવા છે કે જેણે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝની અવધી થઈ ગયા હોવા છતાં તેઓ બીજો ડોઝ લેવા આવ્યા નથી. જ્યારે કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે. 8085 લોકો એવા છે કે, જેણે કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ હજુ સુધી બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી.

મહાપાલિકા પણ 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને હાસલ કરવા માટે કામગીરી કરી રહી છે. હવે ડોર ટુ ડોર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સીનીયર સીટીઝન, શારીરિક અશક્ત, સગર્ભા મહિલા, ધાત્રી માતાઓ અને દિવ્યાંગોને ઘેર-ઘેર જઈ રસી આપવામાં આવી રહી છે.