રાજકોટ: ‘તારા પૈસા દેવા ના થતાં જ નથી’ કહી સાળા-બનેવીએ યુવાનને ધોકાવ્યો

શાંતિનગરમાં ફર્નીચરની મંજુરીના પૈસાની ઉઘરાણી કરવા જતાં લોખંડના પાઇપથી માર માર્યો

શહેરમાં રૈયા ધાર નજીક આવેલ શાંતિનગરનાં ગેઇટ પાસે સ્વસ્તિક હાઇલેન્ડમાં ફર્નીચર કામની મંજુરી બાબતે યુવાનને પિતાને બે શખ્સો સાથે ઝઘડો થતા યુવાન તેમાં સમજાવા જતાં બન્નેને શખ્સોએ ઉશ્કેરાઇને તેને લોખંડના પાઇપ વડે માર મારતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને બન્ને શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ મોરબી જકાતનાકા નજીક રહેતા હિતેશભાઇ મનુભાઇ હળવદીયાએ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ તેના પિતા મનુભાઇને પ્રફુલ્લભાઇ લાલપરા અને તાનસેનભાઇ પટેલ પાસેથી ફર્નીચર કામના મંજુરીના પૈસા લેવાના નીકળતા હતા. જે મનુભાઇ ઉઘરાણી કરવા માટે ગયા હતા. ત્યારે પ્રફુલ્લ અને તાનસેન બન્ને સાળા-બનેવીએ ઉશ્કેરાઇને મનુભાઇ સાથે ઝઘડો કર્યો હતો જે વાતની તેના પુત્ર હિતેશભાઇને થતાં તે ત્યાં દોડી ગયો હતો અને સાળા-બનેવીને તે બાબતે સમજાવા માટે વચ્ચે પડયો હતો.

જેમાં બન્ને આરોપીએ ઉશ્કેરાઇને ‘તારા પૈસા આપવાના થતા જ નથી’ કહી તેના પર લોખંડના પાઇપ વડે તૂટી પડયા હતા. જેમાં હિેતશભાઇને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેને પ્રફુલ્લ લાલપરા અને તાનસેન પટેલ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ બી.જે. ખેરે બન્ને વિરુઘ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.