રાજકોટ: ટ્રીગોન ટેકનોલોજીમાં રોકાણકારો સાથે રૂા.2.50 કરોડની ઠગાઈ

શહેરમાં ચોર, ગઠીયા અને લૂંટારાનો ઉપદ્રવ વધ્યો છે. સાધુવાસવાણી રોડ પર ટ્રોગોન ટેકનોલોજી એલએલપી કંપનીના માલિકે પોતાના કર્મચારી અને તેના સગા-સંબંધીઓને 3 ટકા પ્રોફિટની લોભામણી લાલચ દઇ રૂા.2.50 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધઆઇ છે.

સાધુવાસવાણી રોડ પર ઓફિસ અને વાવડી તપન હાઇટસના ફલેટને

તાળા લગાવી દોઢેક વર્ષથી કંપની માલિક ફરાર

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે માધવ પાર્ક શીવ કોમ્પ્લલેકસમાં રહેતા દિવ્યેશ મીઠાલાલ ત્રાડાએ વાવડી ખાતે આવેલા તપન હાઇટસમાં રહેતા અને સાધુ વાસવાણી રોડ પર ટ્રીગોન ટેકનોલોજી નામની કંપની ચલાવતા દિવ્યેશ દામજી સાંગાણી નામના શખ્સ સામે રૂા.2.50 કરોડની છેતરપિંડી અંગેનો ગુનો નોંધાવતા પી.એસ.આઇ. એચ.પી.રવૈયા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

દિવ્યેશ સાંગાણીએ 2019માં સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે શિવાલીંક-8માં ટ્રીગોન ટેકનોલોજી કંપની શરૂ કરી હતી તેમાં દિવ્યેશ તાડા કમ્પ્યુટર સોફટવેર ડેવલોપમેન્ટને લગતું કામ માટે નોકરી કરતો હતો. દિવ્યેશ સાંગાણી શેર માકેર્ટમાં ટ્રેડીંગ અને સોફટવેર ભાડે આપવાનું કામ કરતો હતો.

માસિક 3 ટકા પ્રોફીટ શેરીંગની લોભામણી લાલચ દઇ દસને ફસાવ્યા: મુંબઇ ભાગી ગયાની શંકા

કંપની માલિક દિવ્યેશ સાંગાણીએ પોતાની કંપનીમાં રોકાણ કરવાથી માસિક 3 ટકા પ્રોફીટ શેરીંગનું કહી રોકાણ કરવાની લોભામણી લાલચ આપતા ગત તા.7-7-19ના રોજ દિવ્યેશ તાડા અને તેના દસ જેટલા સગા-સંબંધીઓએ રૂા.2.50 કરોડનું રોકાણ કર્યુ હતી. દિવ્યેશ સાંગાણીએ ગોલાપ ચોક ખાતેની કંપની અને વાવડી પાસેના તપન હાઇટસ ખાતેના ફલેટને તાળા મારી દોઢેક વર્ષથી ફરાર થઇ જતાં દસેય રોકાણકારો તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેની ભાળ ન મળતા દિવ્યેશ તાડાએ દિવ્યેશ સાંગાણી સામે છેતરપિંડીની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.પી.રવૈયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.