Abtak Media Google News

મુસાફરોને કોરોનાના લક્ષણો જણાશે તો આરોગ્ય કેન્દ્રમાં તપાસ અર્થે મોકલાશે: કેકેવી હોલ બસ સ્ટોપ ખાતે સ્ક્રિનિંગની કામગીરી નિહાળતા મ્યુનિ.કમિશનર

હાલ કોરોના વાઇરસનું સંક્રમણ સમગ્ર દેશમાં પ્રસરી રહ્યું છે જેની સાવચેતીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવા આપતી પરિવહન સેવા બી.આર.ટી.એસ. બસમાં આવતા પેસેન્જરોનું થર્મલ ગન દ્વારા સ્ક્રીનીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કે.કે.વી. હોલ, બી.આર.ટી.એસ. બસ સ્ટોપ ખાતે થર્મલ ગન દ્વારા કરવામાં આવતી સ્ક્રીનીંગની કામગીરી નિહાળી સ્થળ મુલાકાત કરી હતી તેમજ બી.આર.ટી.એસ. રૂટ પર આવેલ 17 બસ સ્ટોપ ખાતે થર્મલ ગન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવશે અને કોરોના વાઇરસના લક્ષણો જણાયે નજીકના આરોગ્ય કેન્દ્ર પર તપાસ માટે મોકલવામાં આવશે.

બી.આર.ટી.એસ. બસની સેવાનો લાભ લેતા પેસેન્જરો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા 17 બસ સ્ટોપ ખાતે થર્મલ ગન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવશે. કોરોના વાઇરસના પ્રાથમિક લક્ષણો જણાયે વધુ તપાસ કરાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે. પ્રાથમિક તબક્કાથી જ ચકાસણી થયે કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, આરઆરએલના જનરલ મેનેજર જયેશ કુકડિયા તેમજ નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ હાજર રહ્યા હતા.

બીઆરટીએસ બસ સ્ટોપ કે ઉકરડો?

સામાન્ય દુકાનદારની દુકાન પાસે થોડો પણ કચરો દેખાય કે તરત જ કોર્પોરેશનના દંડના ધોક્કા ઉગામવા માંડે છે પરંતુ પોતાના બસ સ્ટોપ ઉકરડામાં પરિવર્તિત થઇ રહ્યા હોવા છતાં કોઇ કામગીરી કરવામાં આવતી નથી. બીઆરટીએસના બસ સ્ટોપમાં સાવેરણાં સહિતના કચરાના ઢગલા ખડકાયા હતાં છતાં કમિશનરની નજર પણ આ ઉકરડા પર પડી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.