Abtak Media Google News

કોઇ કાળે મુદ્તમાં વધારો નહીં જ કરાય: 5 બ્રિજની એજન્સીઓ સાથે તાકીદની બેઠક યોજતા અમિત અરોરા

 

અબતક, રાજકોટ

શહેરના અલગ-અલગ 5 સ્થળોએ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બ્રિજનું નિર્માણ કામ ખૂબ જ ધીમું ચાલુ રહ્યું હોવાના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગઇકાલે રાજકોટની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ પણ એવી તાકીદ કરી હતી કે બ્રિજના નિર્માણ કામ સમય મર્યાદામાં પૂર્ણ થઇ જશે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. દરમિયાન  આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ 5 બ્રિજનું નિર્માણ કામનો કોન્ટ્રાક્ટ ધરાવતી બે એજન્સીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ સમય મર્યાદામાં બ્રિજનું કામ પૂર્ણ કરવા કડક તાકીદ કરી હતી. હવે મુદ્તમાં કોઇ વધારો નહીં આપવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.

આજે બપોરે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન ખાતે મ્યુનિ.કમિશનરે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ નિર્માણનો કોન્ટ્રાક્ટ ધરાવતી અનન્તા પ્રોકોન, કેકેવી ચોક, જડ્ડુસ ચોક, રામાપીર ચોકડી અને નાનામવા સર્કલ ખાતે બની રહેલા બ્રિજનો કોન્ટ્રાક્ટ ધરાવતી રણજીત બિલ્ડકોનના કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ એજન્સીને કડક તાકીદ કરી છે કે બ્રિજના નિર્માણ કામમાં ઝડપ વધારો હવે મુદ્તમાં કોઇ કાળે વધારો કરવામાં આવશે. ફરજીયાત પણે નિયત સમય મર્યાદામાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનું રહેશે. હોસ્પિટલ ચોક બ્રિજનું કામ નવેમ્બર-2019માં શરૂ કરવામાં આવ્યું હતું. જે નવેમ્બર-2021માં પુરૂં કરવાની મુદ્ત હતી પરંતુ લોકડાઉનના કારણે સમય મર્યાદા વધારવામાં આવી છે અને નિર્માણ કામ જુલાઇ-2022 સુધીમાં પુરૂં કરવાની અવધિ આપવામાં આવી છે.

હાલ 68 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે જ્યારે કેકેવી ચોક બ્રિજનું કામ જાન્યુઆરી-2023 પૂર્ણ કરવાનું છે. હજી સુધી માત્ર 24 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે. જ્યારે જડ્ડુસ ચોકમાં બની રહેલા બ્રિજનું કામ પણ જાન્યુઆરી-2023માં સુધીમાં પૂર્ણ કરવાનું છે. જે હજુ સુધીમાં માત્ર 23 ટકા જેટલું પુરૂં થયું છે. જ્યારે નાનામવા સર્કલ ખાતે બની રહેલા બ્રિજનું કામ જુલાઇ-2022 પૂર્ણ કરવાનું છે. કામ માત્ર 21 ટકા જ પૂર્ણ થયું છે. જ્યારે રામાપીર ચોકડી ખાતે નિર્માણાધિન બ્રિજનું કામ પણ જુલાઇ-2022માં પૂર્ણ કરવાની મુદ્ત છે. જે કામ માત્ર 22 ટકા જેટલું જ થયું છે. એજન્સીઓને ભલે કડક ભાષામાં તાકીદ કરવામાં આવી હોય પરંતુ હાલ બ્રિજનું નિર્માણ કામ જે ગતિએથી ચાલી રહ્યું છે તે જોતા એવું લાગતું નથી કે પાંચેય બ્રિજનું કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.