- શરાબની 8544 બોટલ, ટેન્કર મળી રૂ. 87.91 લાખનો મુદ્દામાલ કબ્જે
Rajkot
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ચોકડી પાસે દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. પોલીસે ટેન્કરમાંથી રૂપિયા 72. 80 લાખનો 8,544 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બાડમેરમાં રહેતા ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી. પંજાબથી દારૂનો આ જથ્થો ભરી ભાયાવદર લઇ જતો હોવાનું ટેન્કરચાલકે રટણ કર્યું છે. પોલીસે દારૂનો આ જથ્થો ટેન્કર સહિત કુલ રૂપિયા 87.91 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.એલ.ડામોરની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.ડી. ડોડીયા તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા, દીપકભાઈ ચૌહાણ, રાજેશભાઈ જળુ, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ્. રણજીતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, એક સફેદ કલરનું આઇસર કંપનીનું ટેન્કર નંબર જીજે-20-વી-4979 ચોટીલા તરફથી રાજકોટ આવી રહ્યો છે. જેમાં દારૂનો જથ્થો ભર્યો છે આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ચોકડી પાસે શ્રીરામ સ્ટીલ એન્ડ હાર્ડવેર નામની દુકાન સામે બેરીકેટ રાખી અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન રાત્રીના કુવાડવા ચોકડી તરફથી એક શંકાસ્પદ ટેન્કર પસાર થતા પોલીસે તેને અટકાવ્યું હતું. ટેન્કર ચાલકની પૂછતાછ કરતા તેનું નામ પારસકુમાર ઉર્ફે વિકાસ અમીદરામ પોટલીયા (ઉ.વ 25 રહે. શ્રીરામવાલા તા. ચોહટન જી. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેન્કરમાં તપાસ કરતા લીવર બોક્સ લખેલી એક પેટી હોય જેમાં જોતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેન્કરમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 72,80,400 ના કિંમતનો 8544 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો ટેન્કર સહિત કુલ રૂપિયા 87,91,400 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ટ્રકચાલકની ધરપકડ કરી હતી.
રાહુલ નામનો શખ્સ વોટ્સઅપ પર દોરી સંચાર કરતો’તો: ભાયાવદરમાં ડિલિવરી આપવાની હતી
પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા રાજસ્થાની ટ્રક ચાલક પારસકુમાર ઉર્ફે વિકાસની પૂછતાછ કરતા પોતે ટેન્કર ચાલક હોય માલિક બાબતે જાણતો ન હોવાનું કહ્યું હતું. દારૂનો આ જથ્થો પંજાબના નંગલ ખાતેથી ભરી ભાયાવદર તરફ જતો હોવાનું કહ્યું હતું. તેને વોટસએપ નંબર પરથી રાહુલ નામનો શખ્સ માલ ક્યાં ઉતારવાનો તે અંગે સૂચના મળતી હોવાનું જણાવતા પોલીસે આ વોટસએપ નંબરના આધારે દારૂનો જથ્થો કોણે સપ્લાય કર્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.