Abtak Media Google News

દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં વૃક્ષારોપણની પ્રવૃતિને પ્રોત્સાહન આપવામાં માટે મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે ઓછા વજન ટ્રી-ગાર્ડ બનાવવામાં આવે તો વધુ માત્રામાં લોકોને ટ્રી-ગાર્ડ આપી શકાય તેવી મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા સૂચના આપવામાં આવી હોવા છતાં તેઓની સૂચનાની અવગણના કરી ગાર્ડન શાખા દ્વારા અંદાજે 56 લાખના ખર્ચે 5 હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરીદી માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જે આજે રદ્ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વૃક્ષારોપણ માટે કોર્પોરેશન દ્વારા સામાજીક અને સેવાકીય સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેનું ટેન્ડર ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતાં મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું મહાપાલિકા દ્વારા 1,100 રૂપિયાના એક લેખે એવા 5 હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરીદવા માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં એક ટ્રી-ગાર્ડનું વજન 13 કિલો 700 ગ્રામ રાખવા શરત હતી. અગાઉ ગાર્ડન શાખાને ટ્રી-ગાર્ડની ખરીદી માટે એવી સૂચના આપવામાં આવી હતી કે 13 કિલોના બદલે 9 કિલોનું ટ્રી-ગાર્ડ રાખવું જેથી વધુ માત્રામાં લોકોને ટ્રી-ગાર્ડ આપી શકાય. જેનો ઉલાળીયો કરવા આવતા ટેન્ડર રદ્ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નવું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે વૃક્ષારોપણ માટે હવે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જેમાં ટ્રી-ગાર્ડથી પણ અડધી કિંમતે સેવાકીય અને સામાજીક સંસ્થાઓ ખાડો ખોદી દેશે, આઠથી દસ ફૂટનું વૃક્ષ તેમાં રોપી દેશે, અને ટ્રી-ગાર્ડ પણ આપશે. મહાપાલિકાએ આ વૃક્ષનું માત્ર માવજત કરવાની રહેશે.

જે સંસ્થા પાસે વૃક્ષારોપણ કાર્યનો બહોળો અનુભવ હશે તેને જ વૃક્ષારોપણ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. કોર્પોરેટરોને દર વર્ષે 75 નંગ ટ્રી-ગાર્ડની ફાળવણી કરવામાં આવે છે. જેની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. હવે 13 કિલોથી વધુ વજન વાળુ ટ્રી-ગાર્ડ ખરીદવાના બદલે માત્ર 3 કિલો વજનનું ટ્રી-ગાર્ડ ખરીદવામાં આવશે. કોર્પોરેટરને સિધ્ધી જ ફાળવણી કરવાને બદલે તેને વૃક્ષારોપણ માટે સ્થળ સૂચવવા માટેનું કહેવાયમાં આવશે. તેનાથી વાસ્તવમાં વૃક્ષારોપણનું જે એમ છે તે પરિપૂર્ણ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.