Abtak Media Google News

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોય ટેસ્ટિંગની સમય અવધિ દોઢ કલાક વધારવાની મેયરની જાહેરાત

કોરોનાની ત્રીજી લહેરે શહેરમાં હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે એક દિવસ દરમિયાન પોણા બે વર્ષના રેકોર્ડ બ્રેક ૧૩૩૬ કેસ નોંધાયા હતા.હાલ શહેરના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્ર અને ૭ ટેસ્ટિંગ બૂથ પર સવારે નવથી સાંજના પાંચ વાગ્યે સુધી કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.દરમિયાન આવતીકાલથી હવે આરોગ્ય કેન્દ્ર અને ટેસ્ટિંગ બૂથ પર સાંજના ૬:૩૦ કલાક સુધી ટેસ્ટ કરવામાં આવશે તેવી જાહેરાત મેયર ડો પ્રદીપ ડવ દ્વારા કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી શહેરના આરંભ સાથે જ મહાપાલિકાએ તકેદારીના ભાગરૂપે શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરી દીધા હતા. દરમિયાન તાજેતરમાં વધુ બે બુથ કાર્યરત કરવામાં આવ્યા છે.હાલ મહાપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત કે.કે.વી સર્કલ રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક, લીમડા ચોક, ભક્તિનગર સર્કલ અને સોરઠીયાવાડી સર્કલ એમ અલગ-અલગ સાત સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં સવારથી લોકોની લાંબી કતારો લાગી જાય છે.

હાલ આરોગ્ય કેન્દ્ર અને ટેસ્ટિંગ બુથ પર વહેલી સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. નોકરી-ધંધાએથી પરત ફરે ત્યારે આરોગ્ય કેન્દ્ર અને બુથ બંધ થઈ જતા હોવાની ફરિયાદો ઉઠતા આવતીકાલથી તમામ આરોગ્ય કેન્દ્ર અને ટેસ્ટિંગ બૂથ પર સવારે નવથી સાંજના ૬:૩૦ કલાક સુધી ટેસ્ટિંગ કરવામાં આવશે.તેવી જાહેરાત આજે મેયર દ્વારા કરવામાં આવી છે.

બીજી લહેર માંથી સબક લીધા બાદ મહાપાલિકાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.શહેરમાં હાલ ૧૦૦  ધન્વન્તરિ અને ૫૦ સંજીવની રથ દોડી રહ્યા છે.જોકે આ વખતે સૌથી સારી નિશાની એ છે કે કોરોનાના લક્ષણો ખૂબ જ સામાન્ય છે અને બે ત્રણ દિવસ ની દવા લીધા બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.