રાજકોટ: અનુ.જાતિના ઘરવિહોણા લોકોને આવાસ મેળવવાનું સ્વપ્ન થશે સાકાર

રાજકોટ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખા દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના અમલી

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ શાખા ગ્રામ્ય વિસ્તારના અનુસુચિત જાતિના ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આર્થિક સહાય પૂરી પાડે છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા પ્રકારનું કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર લોકો રૂા.1,ર0,000 ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે.

તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી હુકમ મળતા રૂા.40,000નો આપવામાં આવે છે. બીજો હપ્તો બાંધકામ લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ રૂા.60,000નો ચુકવવામાં આવે છે. અને શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થતાં ત્રીજો હપ્તો રૂા.ર0,000નો આપવામાં આવે છે.  ઉપરાંત મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ર વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહે છે. 21 કે તેથી વધુ ઉમરના લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ/પેટા જાતિનો દાખલો, કુલ વાર્ષિક આવકનો દાખલો, ચૂંટણી ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીનો પુરાવો, અરજદારના નામના બેંક ખાતાની પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો,જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની તલાટી-કમ-મંત્રીશ્રીની સહીવાળી નકલ, મકાન બાંધકામ ચિઠ્ઠી, સ્વ-ઘોષણા પત્ર જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો વગેરે પુરાવાઓ સહીત https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગતો માટે લાભાર્થીએ તાલુકા પંચાયત કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષકનો સંપર્ક કરી શકશે.

76 લાભાર્થીને મળી સહાય

આ યોજના હેઠળ વર્ષ ર0રર-ર3માં 76 લાભાર્થીઓને રૂ.34.40 લાખ મકાન સહાય પેટે ચુકવવામાં આવેલ છે. તેમજ ર00 લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમ રાજકોટ જીલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.