રાજકોટ: કોરોનાની મહામારીને ઘ્યાનમાં લઇને જુનુ માર્કેટ યાર્ડ આ સમય દરમિયન રહેશે બંધ

 

કોરોનાની મહામારીને ઘ્યાને લઇને યાર્ડ અને બી ડિવિઝન પોલીસની મળેલી બેઠકમાં લેવાયો  નિર્ણય

વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં દિન પ્રતિદિન પોઝિટીવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારા સાથે રાજય સરકાર દ્વારા કોરોનાની ચેઇન તોડવા ર9 શહેરોમાં આંશિક લોકડાઉન કર્યા બાદ આજથી વધુ સાત શહેરો સહીત કુલ 36 શહેરોમાં આંશિક લોકડાઉન કરવામાં આવ્યું છે. આંશિક લોકડાઉનમાં અમુક છુટછાટ આપવામાં આવી છે. રાજકોટના જુના યાર્ડમાં બકાલાના વેચાણ અને હરરાજી વેળાએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાનું અને માસ્ક ન પહેરતા હોવાથી કોરોનાને આમંત્રણ આપતા હોવાનું યાર્ડના સત્તાધીશો અને પોલીસ તંત્રને ઘ્યાને આવતા ગત કાલે જુના યાર્ડ ખાતે એ.સી.પી. એ.આર. ટંડન, બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. એમ.બી. ઔસુરા, યાર્ડના સેક્રેટરી ચાવડા, ઇન્સ્પેકટર રસીકભાઇ લુણાગરીયા અને યાર્ડના વેપારી તેમજ દલાલોની ઉ5સ્થિતિમાં મળેલી બેઠકમાં જુના યાર્ડ બપોરના બે થી સવારના ચાર કલાક સુધી સઁપૂર્ણ બંધ રહેશે અને વહેલી સવારે ચાર કલાકથી બપોરના બે દરમિયાન કામગીરી માટે યાર્ડ ચાલુ રહેશે.


સવારે ચાર કલાકથી છ સુધી માલ આવક માટે સવારે 6 વાગ્યાથી વેપારી, દલાલો અને ખેડુતો તેમજ ગ્રાહકો માટે આવન જાવન રહેશે અને સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે યાર્ડના રોડમાં માકીંગ કરવામાં આવ્યું છે. ફરજીયાત માસ્ત પહેરવું તેમજ સરકારી ગાઇડ લાઇનનું પાલન નહી કરવામાં આવશે તેની તમામ વેપારી, દલાલ મિત્રોએ નોંધ લેવી અને તેમ યાર્ડના ઇન્સ્પેકટર રસીકભાઇ લુણાગરીયાની યાદીમાં જણાવ્યું છે.