Abtak Media Google News

પ00 રૂપરડીની મજુરી હવે વસમી લાગતા ટ્રાન્સપોર્ટરો વેપારી સામે આંદોલનનું રણશીંગુ ફુકયું: જુના નવા માર્કેટ યાર્ડના વેપારીઓને આવેદન પત્ર પાઠવ્યુ: પણ કોઇ નિર્ણય ન આવ્યો

ડિઝલના અસહ્ય ભાવ વધારાના કારણે મોંધવારી આસમાને પહોંચી છે. ત્યારે દિલ્હીમાં ‘જીસકા માલ ઉસકી હમાલી’ કહેવતને અનુરુપ રાજકોટ  ગુડઝ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા ગઇકાલે નવા અને જુના માર્કેટ યાર્ડના વેપારી એસોસીએશનને આવેદન પત્ર પાઠવ્યા બાદ પણ હમાલીના મુદે નિરાકરણ નહી આવતા આજથી પ00 જેટલા ટ્રકના પૈડા થંભાવી દઇ ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતરી ગયા છે.

રાજકોટના જુના માર્કેટ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં આજ સવારથી ટ્રાન્સપોર્ટરો દ્વારા પ00 જેટલા ટ્રકના પૈંડા થંભાવી દેતા માર્કેટ યાર્ડમાં કોઇ માલ ભરવા ગયા નહોતા.ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સભ્ય નરેન્દ્રસિંહ પરમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડિઝલના અસહ્ય ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટરોની આવકમાં મોટો ફટકો પડયો છે. અધુરામાં પુરુ વેપારીઓ દ્વારા બહારથી માલ મંગાવે તેવી ચડાઇ કે ઉતરાઇનો ચાર્જ પણ ટ્રક માલીકો પાસેથી વસુવવામાં આવતો હતો.

હમાલીના મુદ્દે ટ્રાન્સપોર્ટરો દ્વારા જુના નવા માર્કેટ યાર્ડના વેપારીઓને રજુઆત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે દિલ્હીની માફક જેનો માલ તેને મજુરીને ચડાઇ કે ઉતરાઇ આપવી પડે પરંતુ વેપારીઓએ માલની ચડાઇ કે ઉતરાઇ આપવાનો ઇન્કાર કરી દેતા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશને આ મુદ્દે લડી લેવાના નિર્ધાર સાથે આજથી હડતાલ પર ઉતરી ગયા છે.

જાણવા મળ્યા પ્રમાણે રાજયમાં કે બહારથી માર્કેટ યાર્ડમાં આવતા માલ ઉતારવા માટે કે ટ્રકમાં માલ ભરી આપવાની 10 ટનની મજુરી અંદાજે પ00 રૂપિયા થતી હોય છે જે પ00 રૂપિયા કોણ ચુકવે તે મુદે ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ વચ્ચે ગજગ્રાહ સર્જાયો છે.

ટ્રાન્સપોર્ટરોએ વધુમાં જણાવ્યું હતું કે ડિસા ગામેથી દરરોજ બટેટા ભરીને અનેક ટ્રક રાજકોટમાં ઠલવાય છે. પરંતુ બટેટા ઉતરાવાની મજુરી ચુકવે કોણ તે મુદ્દે વિવાદ થતા બે દિવસથી ડિસા ખાતેથી બટેટાની એક પણ ટ્રક રાજકોટ આવી નથી ત્યારે આવનારા દિવસોમાં બટેટાના ભાવ પણ સળગે તેવા એંધાણ મળી રહ્યા છે.

ડીઝલનો ભાવ વધારો નથી નડતો: હમાલીના પ00 રૂપિયા નડે છે!!

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા માર્કેટ યાર્ડમાં માલ ખાલી કરવાની હમાલીના પ00 રૂપિયા કોણ ચુકવે તે મુદ્દે હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે આ હડતાલનું મુળ ડિઝલનો ભાવ વધારો છે.પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવ વધારાના કારણે હવે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનને હમાલીના પ00 રૂપિયા ચુકવવાના હવે ભારે પડે છે અગાઉ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન માલ ઉતરાઇ કે ચડાઇની મજુરી ચુકવતી હતી પરંતુ હવે ડિઝલનો ભાવવધારો થતા માલ ઉતરાઇ કે ચડાઇના પ00 રૂપિયા મજુરીને ચુકવવા હવે વસમા લાગે છે.જો કે મુળ પ્રશ્ર્ન ડિઝલનો ભાવ વધારો છે ત્યારે તેની સામે આંદોલન કરવાના બદલે ટ્રાસ્પોર્ટરો વેપારી સામે હમાલીના મુદ્દે હડતાલ પર બેસી જતા શહેરમાં અનેક ચર્ચા થઇ રહી છે.

જો હડતાલ લાંબી ચાલી તો બટેટાના ભાવ સળગશે !

રાજકોટ ગુડઝ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન પ00 રૂપિયાની હમાલીના મુદ્દે વેપારીઓ સામે આંદોલન શરુ કર્યુ છે. ત્યારે બે દિવસથી ડિસા ખાતેથી આવતી બટેટાની આવક બંધ થઇ ગઇ છ જો આંદોલન લાંબુ ચાલ્યું તો આવનારા દિવસોમાં બટેટાના ભાવ પણ સળગે તો નવાઇ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.