Abtak Media Google News

વોર્ડ નં.12માં કોર્પોરેશન દ્વારા 22 કરોડથી વધુના ખર્ચે બનાવાશે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 19મીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓના હસ્તે અલગ-અલગ 500 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના વોર્ડ નં.12માં કોર્પોરેશન દ્વારા રૂ.22 કરોડથી પણ વધુના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું ભૂમિપૂજન પીએમના હસ્તે કરવામાં આવશે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. આગામી 10 અને 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન ફરી ગુજરાતના પ્રવાસે આવનાર છે. તેઓના હસ્તે જામનગરમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતુમુહુર્ત કરવામાં આવશે. આ ઉપરાંત જામ કંડોરણામાં જાહેર સભા સંબોધશે.

જ્યારે 19મીએ ફરી વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસ પ્લાનનું લોકાર્પણ કરશે અને અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. 19મીના રોજ તેઓ રાજકોટ શહેરના પ્રવાસે આવી રહ્યા છે. તેઓના હસ્તે 50000 કરોડથી પણ વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં ત્રણ ઓવરબ્રિજ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ, સાયન્સ સિટી સહિતના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મવડી વિસ્તારમાં બનનારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. આ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમના હસ્તે અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે તંત્ર હાલ તૈયારીઓ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.