રાજકોટ: 29મીએ સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન, કર્મચારીઓનું ફરજનું બુથ નક્કી થશે

30મીએ બપોરે સ્ટાફ ઇવીએમ-વિવિપેટ સાથે રવાના થઈને રાત સુધીમાં મતદાન મથકનો કબ્જો સંભાળી લેશે

રાજકોટ જિલ્લામાં 29મીએ સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન થશે. જેમાં કર્મચારીઓનું ફરજનું બુથ નક્કી થશે.  બાદમાં 30મીએ બપોરે સ્ટાફ ઇવીએમ-વિવિપેટ સાથે રવાના થઈને રાત સુધીમાં મતદાન મથકનો કબ્જો સંભાળી લેશે.

રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોના મતદાન મથકોમાં  ફરજ બજાવનાર અંદાજે 9 હજાર જેટલા સ્ટાફના અગાઉ બે રેન્ડમાઇઝેશન થઈ ગયા છે. બીજા રેન્ડમાઇઝેશનમાં સ્ટાફની ફરજની વિધાનસભા બેઠક નક્કી થઈ હતી. હવે આગામી તા.29મીએ સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું કે આ થર્ડ રેન્ડમાઇઝેશન બાદ સ્ટાફનું ફરજનું બુથ નક્કી થશે.

આ થર્ડ રેન્ડમાઇઝેશન આગામી તા.29ના રોજ આઠેય વિધાનસભા બેઠક વાઇઝ થશે. જેમાં જે તે વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર અને ઓબેઝર્વરની હાજરી રહેશે. વધુમાં મળતી માહિતી અનુસાર 29મીએ થર્ડ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટાફને ફરજનું મતદાન મથક મળી જશે.

ત્યારબાદ બીજા દિવસે તા. 30ના રોજ સ્ટાફ બપોર સુધીમાં ઇવીએમ અને વિવિપેટ સહિતની જરૂરી સાધન સામગ્રી લઈને જેતે વિધાનસભા બેઠકના સ્ટ્રોંગ રૂમ ખાતેથી રવાના થઈ જશે. આ સ્ટાફ પોતાના ફરજના મતદાન મથક ખાતે રાત સુધીમાં પહોંચીને તેનો કબ્જો સંભાળી લેશે. બાદમાં સવારથી તેઓ મતદાન વેળાએ ફરજ ઉપર રહેશે.

મહિલા સંચાલિત મતદાન મથકોનો કબ્જો આગલી રાત્રે લેવાશે ? ગડમથલ

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભા બેઠકમાં એક-એક મહિલા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં ફરજ ઉપરનો તમામ સ્ટાફ મહિલા જ હશે. જો કે સામાન્ય મતદાન મથક ઉપર સ્ટાફ આગલે દિવસે જ કબ્જો સંભાળી લેતા હોય છે. પરંતુ મહિલા સંચાલિત મતદાન મથકનો કબ્જો મહિલા સ્ટાફ દ્વારા આગલા દિવસે લેવડાવવો કે કેમ ? સુરક્ષાનો મુદ્દો ધ્યાને રાખી તંત્રમાં હજુ ગડમથલ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.