Abtak Media Google News

પ્રાણવાયુની તીવ્ર અછત વચ્ચે તેના પરિવહનમાં કોઈ અગવડતા ન પડે તે માટે કોર્પોરેશનનો નિર્ણય 

ઓક્સીજન ગેસ ઉત્પાદક, સપ્લાયર અને વિક્રેતાના ઓક્સીજન વ્હીકલ બી.આર.ટી.એસ. ડેડીકેટેડ બસ લેનમાં વિના અવરોધ આવ-જા કરી શકાશે તેવો કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પ્રાણવાયુ ઓક્સિજનની તીવ્ર અછત વચ્ચે બિનઅવરોધક રીતે ઝડપથી ઓક્સિજનના બાટલાનું પરિવહન થઈ શકે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલની કોવીડ-19 મહામારીને ધ્યાને લઈ આરોગ્ય ક્ષેત્રે આપવાની થતી આવશ્યક સેવાને અનુલક્ષીને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ મહાનગરપાલિકાની થયેલ સુચનાનુસાર તમામ હોસ્પીટલની તત્કાલ ઉપસ્થિત થતી ઓક્સીજનની જરૂરીયાત અન્વયે ઓક્સીજન ગેસ ઉત્પાદક, સપ્લાયર અથવા વિક્રેતાના ઓક્સીજન વ્હીકલ ગોંડલ ચોકથી માધાપર ચોક (10.70 કિ.મી.) સુધી બી.આર.ટી.એસ. ડેડીકેટેડ બસ લેનનો ઉપયોગ ઉક્ત નિયત થયેલ જાહેર સેવાને અનુલક્ષીને કરી શકશે.

રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લી. દ્વારા બી.આર.ટી.એસ. તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરીને રાજકોટ શહેરની જાહેર જનતાને જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવી રહેલ છે. તેમ જનરલ મેનેજર રાજકોટ રાજપથ લી.ની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.