Abtak Media Google News

છોટા હાથીએ બાઈકને હડફેટે લેતા બે ઘવાયા: મિનિ ટ્રકે કારને ઠોકર મારતાં રાહદારીનું મોત, એક ઘાયલ

રાજકોટના ભાગોળે ખોખડદળ પુલના પાટિયા પાસે ગઈ કાલે રાત્રે સર્જાયેલા ત્રીપલ અકસ્માતમાં એક રાહદારી યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘવાતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇ કાલે રાત્રીના સમયે રાજકોટ શહેરની ભાગોળે આવેલા ખોખડદળ પૂલ પાસે એક છોટા હથી જેવા વાહન ચાલકે બાઈકને ઠોકર મારતાં તેના પર સવાર રણવીર સેજનારાયણ (ઉ.વ.45) અને વિજય નાગજીભાઈ કોથીયાડ (ઉ.વ.37) ઘવાતાં બંનેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ધડાકાભેર થયેલા અકસ્માતના પગલે રોડ પર લોકો ઉમટી પડ્યા હતા. તે દરમિયાન જ ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થતા મીની ટ્રકના ચાલકે કારને ઠોકર મારી હતી. જેના કારણે કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા પહેલા સર્જાયેલા અકસ્માતના ઘટના સ્થળ પર પહોંચી હતી.

જ્યાં અગાઉ ઉભેલા લોકોમાંથી માંડાડુંગરના હાર્દિક ભુપતભાઈ માલકિયા નામના 25 વર્ષના યુવાનને ફંગોડ્યો હતો. ત્યાંથી આગળ જતાં એક બાઈક ચાલકને પણ કારે અડફેટે લઈ કાર ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં ચારેય લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાર્દિક મોલકિયાએ સારવારમાં દમ તોડયો હતો.પોલીસે ઘટનાની નોંધ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ઘટનાની નોંધ કરી પોલીસે હાર્દિક માલકિયાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાનના મોતના કારણે પરિવારમાં કલ્પાંત છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.