બાળકોને પ્રાથમિક તબક્કાથી જ સારવાર આપવામાં આવે તો ગંભીર બીમારીઓ સામે સુરક્ષિત થઇ શકે. જેનું ઉદાહરણ આ ડોક્ટરોએ પૂરું પાડ્યું છે. રાજકોટ મનપા દ્વારા જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રના SH-RBSK (શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) અંતર્ગત સેવા આપતા ડૉ. વિરેન્દ્રસિંહ જાડેજા અને ડૉ. રીધ્ધી વિઠલાણીએ બાળકોના જન્મજાત હૃદય રોગના નિદાન, રેફરલ તથા સારવારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા શિલ્ડ આપી તેઓ બંનેને સન્માનિત કરાવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ પણ બંને ડોક્ટરોને અભિનંદન પાઠવી તેઓની સેવાને બિરદાવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર ખાતે SH-RBSK અંતર્ગત કામ કરતા ડૉ. વિરેન્દ્રસિંહ જાડેજા અને ડૉ. રીધ્ધી વિઠલાણી દ્વારા ગતવર્ષમાં જન્મજાત હૃદયરોગ ધરાવતા કુલ – ૧૧ બાળકો શોધવામાં આવેલ. આ પૈકી ૫ બાળકોને હૃદયની ગંભીર તકલીફ જણાતા તેમના વાલીઓ સાથે ઘરે જઈને મુલાકાત કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ, તેમના મનમાં રહેલા ઓપરેશન અંગેનો ડર દુર કરી ૫ બાળકોનું સફતાપૂર્વક યુ.એન.મહેતા હોસ્પીરલ ખાતે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઓપરેશન બાદ નિયમિત રીતે તમામ બાળકોનું રસીકરણ થાય, યોગ્ય ખોરાક અપાય તથા વિકાસલક્ષી વિલંબ ન થાય તે માટે બંને ડોક્ટરો દ્વારા સંબંધિત પરિવારોના વડીલોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંને ડોક્ટર્સની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઘણીબધી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવી રહી છે. લોકોએ જાગૃત થઇ સેવાઓનો લાભ લેવો જોઈએ અને બાળકોને ગંભીર રોગોથી સુરક્ષિત કરવા જોઈએ. માતા-પિતા જાગૃત થશે ત્યારે જ બાળકોની પ્રાથમિક તપાસ થશે અને વહેલી તકે સારવાર પ્રાપ્ત થશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે કે મનપા દ્વારા આપવામાં આવતી રોગ નિદાન અને સારવારની સેવાઓનો લાભ મેળવો અને પ્રાથમિક તબક્કેથી જ ગંભીર રોગો સામે પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.